પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે “વિશ્વાસ થી વિકાસ યાત્રા” પ્રાંત કક્ષાના કાર્યક્રમનું કરાયું આયોજન
ગોધરા અને કાલોલ તાલુકાના કુલ ૪ કરોડ ૮૧ લાખના ૨૮૬ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું
સરકારે છેવાડાના વ્યક્તિ અને દરેક કુટુંબની ચિંતા કરી છે,આજે છેવાડાનો વ્યક્તિ પણ આત્મનિર્ભર બન્યો છે. – ધારાસભ્ય સી કે રાઉલજી
ગુજરાત સરકાર દ્વારા રાજયભરમાં વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ રાજય-જિલ્લા-પ્રાંત કક્ષાએ વિવિધ વિભાગના સહયોગથી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા લોકાભિમુખના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત આજ રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત બી.આર.જી.એફ હોલ ખાતે ધારાસભ્ય સી.કે.રાઉલજીની અધ્યક્ષતામાં પ્રાંત કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અત્રે વિવિધ મહાનુભાવો અને પદાધિકારીઓની ઉપસ્થિતીમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના સ્વાગત થકી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય સી કે રાઉલજીના હસ્તે જિલ્લાના વિવિધ વિકાસના કાર્યોની તકતીનું લોકાર્પણ કરાયું હતું. ઉપસ્થિત તમામ લોકોએ વિશ્વાસ થી વિકાસ યાત્રા ફિલ્મને નિહાળી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય સી કે રાઉલજીએ પોતાના ઉદ્દબોધનામાં જણાવ્યું હતું કે છેલ્લા વીસ વર્ષના સમયગાળામાં જિલ્લામાં સિંચાઇ,આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે અનેક વિકાસના કાર્યો થયા છે. તેમણે પાનમ વિસ્તારમાં સિંચાઇ માટે જણાવ્યું કે અગાઉ ૩૨૪ કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવાઇ હતી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પંચમહાલની મુલાકાત લઈ આ વિસ્તારમાં સિંચાઇ માટે વધુ ૧૨૮ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. આનાથી સિંચાઇ ક્ષેત્રે છેલ્લા ૧૫ વર્ષથી ચાલી આવેલ સમસ્યાને હલ કરવામાં આવી છે. સરકારશ્રી તરફથી ગોધરા ખાતે ટ્રાફિકની સમસ્યાને હલ કરવા ઓવબ્રિજ, રેલ્વે ઓવરબ્રિજ સહિતના કાર્યો માટે ૧૧૮ કરોડની માતબર રકમ ફાળવાઇ છે. પંચમહાલ જિલ્લો આરોગ્ય ક્ષેત્રે આત્મનિર્ભર બને તેના અનુસંધાને રૂપિયા ૧૪૧ કરોડના ખર્ચે નવીન મેડિકલ કોલેજની મંજૂરી મળી છે. શિક્ષણ માટે વિજોલ મુકામે ૧૦૦ એકર જમીનમાં યુનિવર્સીટી માટેનું કાર્ય પૂર્ણ થવાના આરે છે. આજે આયુષ્યમાન યોજના થકી જિલ્લાના દરેક વ્યક્તિને ૫ લાખનું વિમા કવચ મળ્યું છે. ગોધરા ખાતે નવીન ટાઉનહોલ માટે ૫ કરોડની રકમ મંજૂર થયેલ છે. નળ સે જળ યોજના અંતર્ગત જિલ્લામાં ૮૦ ટકા કાર્ય પૂર્ણ થયેલ છે. સરકારશ્રી તરફથી છેવાડાના વ્યક્તિ અને દરેક કુટુંબની ચિંતા કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત તરફથી શાબ્દિક સ્વાગત અને ભાભોર તરફથી આભારવિધિ કરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લામાં વિશ્વાસ થી વિકાસ યાત્રા પ્રાંત કક્ષાના કાર્યક્રમમાં ૩ કરોડ ૧૬ લાખ ૯૦ હજાર રૂપિયાના કુલ ૨૦૨ કામોનું ખાતમુર્હુત અને ૧ કરોડ ૬૪ લાખ ૧૦ હજાર રૂપિયાના ૮૪ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ કુલ ૪ કરોડ ૮૧ લાખના ૨૮૬ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આજના આ પ્રસંગે કાલોલ ધારાસભ્ય સુમનભાઈ ચૌહાણ, ગોધરા તાલુકા પંચાયત પ્રમુખ સુનિતાબેન બારીયા, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત દંડક અરવિંદસિંહ પરમાર, ગોધરા અને કાલોલ તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.