ભારતીય ટીમને મહિલા વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે ભારત માટે સેમીફાઈનલનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. હવે સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમો સામે જીત મેળવવી પડશે. આ મેચ ભલે ભારત માટે કંઈ ખાસ ન રહી હોય, પરંતુ ઝુલન ગોસ્વામીએ આ મેચને પોતાના માટે યાદગાર બનાવી લીધી છે. આ મેચમાં તેમણે વનડે ક્રિકેટમાં પોતાની 250 વિકેટ પૂરી કરી. આ સિદ્ધિ મેળવનાર ઝુલન ગોસ્વામી પ્રથમ મહિલા ક્રિકેટર છે.
39 વર્ષીય ઝુલન ગોસ્વામી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 250 વિકેટ લઈ ચૂક્યા છે. તેઓ એકમાત્ર મહિલા ખેલાડી છે કે જેમણે વનડેમાં 200થી વધુ વિકેટ લીધી છે અને હવે તેમણે 250 વિકેટ લઈને નવો રેકોર્ડ બનાવ્યો છે.
ટેસ્ટમાં પણ લીધી 44 વિકેટ
ઝુલન ગોસ્વામીએ વનડે સિવાય ટેસ્ટ ક્રિકેટમાં પણ શાનદાર બોલિંગ કરી છે. તેમણે 12 ટેસ્ટમાં 44 વિકેટ લીધી છે. આ દરમિયાન તેમણે ત્રણ વખત પાંચ વિકેટ અને એક વખત 10 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. એક ઇનિંગ્સમાં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 25 રનમાં પાંચ વિકેટ છે, જ્યારે એક મેચમાં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 78 રનમાં 10 વિકેટ છે. આ સિવાય ઝુલન ગોસ્વામીએ ટી20 ક્રિકેટમાં 68 મેચમાં 56 વિકેટ પણ લીધી છે અને 5.45ની ઈકોનોમીથી રન આપ્યા છે. બેટિંગમાં તેમણે 405 રન પણ બનાવ્યા છે.
વનડેમાં સૌથી વધુ વિકેટ લેનાર મહિલા ક્રિકેટર (Most Wickets In Women ODI Cricket)
250 વિકેટ: ઝુલન ગોસ્વામી (ભારત)
180 વિકેટ: કેથરિન લોરેન (ઓસ્ટ્રેલિયા)
180 વિકેટ: અનીસા મોહમ્મદ (વેસ્ટ ઈન્ડિઝ)
168 વિકેટ: શબનમ ઈસ્માઈલ (દક્ષિણ આફ્રિકા)
164 વિકેટ: કેથરીન બ્રન્ટ (ઈગ્લેન્ડ)