શિક્ષણ ક્ષેત્રે નવીન અભિગમ અપનાવવામાં અગ્રેસર ગુજરાત, ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’ બન્યું દેશનું સૌથી મોટું શાળાકીય શિક્ષણ મિશન
*
મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ: 13,353 નવા વર્ગખંડો, 21,000 નવી કમ્પ્યુટર લેબ્સ, 1,09,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ્સ, 5000 નવી સ્ટેમ લેબ્સનું કાર્ય પૂર્ણ
*
‘શાળા પ્રવેશોત્સવ’થી ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’ સુધી: છેલ્લાં 22 વર્ષમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે આવી ક્રાંતિ
*
ગાંધીનગર, 24 જૂન: કોઈપણ દેશના સર્વાંગી વિકાસ માટે એક શિક્ષિત સમાજ ખૂબ જ આવશ્યક છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષણ ક્ષેત્રે કરેલી નક્કર કામગીરીના પગલે આજે ગુજરાતનું શિક્ષણ મૉડલ બીજા રાજ્યો માટે ઉદાહરણરૂપ બન્યું છે. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનો જે વ્યાપ વધ્યો છે, તેમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમે મુખ્ય ભૂમિકા ભજવી છે. 2002-03માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રીએ દરેક બાળક શાળામાં પ્રવેશ મેળવે અને તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તેવા ઉદ્દેશથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. છેલ્લાં 22 વર્ષમાં આ પહેલના કારણે શિક્ષણ ક્ષેત્રે પાયાના સ્તરે સુધારો આવ્યો છે અને શાળાઓમાં બાળકોના નામાંકન દરમાં પણ નોંધનીય સુધારો થયો છે.
શિક્ષણ ક્ષેત્રે નવીન અભિગમ અપનાવવામાં અગ્રેસર ગુજરાતની બીજી મુખ્ય પહેલ ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’ છે, જે વિદ્યાર્થીઓને વધુ સારી માળખાકીય સગવડો અને શિક્ષણ પદ્ધતિ દ્વારા ગુણવત્તાયુકત શિક્ષણ આપીને ગુજરાતની ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનો ઉદ્દેશ ધરાવે છે. અત્યારસુધીમાં આ પ્રોજેક્ટ હેઠળ 13,353 નવા વર્ગખંડો, 21,000 નવી કમ્પ્યુટર લેબ્સ, 1,09,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ્સ, 5000 નવી સ્ટેમ લેબ્સનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે.
શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ: ગુજરાતમાં શરૂ થયું દેશનું સૌથી મોટું શાળાકીય શિક્ષણ મિશન
શાળાઓને સ્પર્ધાત્મક તેમજ માળખાકીય રીતે શ્રેષ્ઠ બનાવવામાં આવે અને બાળકોને શૈક્ષણિક સગવડો, ભૌતિક સુવિધાઓ, સ્માર્ટ ક્લાસરૂમ્સ, સ્ટેમ લૅબ અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ સહિતનું આકર્ષણ શાળા સંકુલમાં જ મળી રહે તો શૈક્ષણિક ગુણવત્તામાં મહત્તમ સુધારા થઈ શકે છે. શિક્ષણ ક્ષેત્રે નવીન અભિગમ અપનાવવામાં અગ્રેસર ગુજરાતે વર્ષ 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દેશના સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય અભિયાન- ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’નો પ્રારંભ કર્યો હતો. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ ગુજરાત સરકાર આશરે ₹12,000 કરોડનો ખર્ચ કરશે. આ પ્રોજેક્ટ માટે વિશ્વ બૅન્ક તરફથી 750 મિલિયન ડોલરનું ભંડોળ જાહેર થયું છે.
‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’નો ઉદ્દેશ માળખાગત સુવિધાઓ, ડિજિટલ શિક્ષણ સાધનો અને પાયાના શિક્ષણને મજબૂત બનાવીને લગભગ 40,000 સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને અપગ્રેડ કરવાનો છે. સમગ્ર દેશમાં શાળાકીય શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવવા માટેનો આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે.
50,000 નવા વર્ગખંડો, 1,50,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ્સ બનાવવાનું લક્ષ્ય
મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ હેઠળ ગુજરાતભરની શાળાઓના ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનું કાર્ય વેગવાન બન્યું છે. આ પહેલના ભાગરૂપે 50,000 નવા વર્ગખંડો બનાવવામાં આવશે, જેમાંથી 13,353 નવા વર્ગખંડોનું કાર્ય પૂર્ણ થયું છે, જ્યારે 31,469 ક્લાસરૂમ્સનું કાર્ય પ્રગતિ હેઠળ છે. નવા વર્ગખંડોના નિર્માણકાર્ય ઉપરાંત, 27,872 ક્લાસરૂમ્સનું આધુનિકીકરણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે અને 63,860 વર્ગખંડોનું આધુનિકીકરણ કાર્ય પ્રગતિ હેઠળ છે.
શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ અભિગમને આગળ વધારવા માટે, 21,000 નવી કમ્પ્યુટર લેબ્સની સ્થાપના કરવામાં આવી છે. 18,000 સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને કમ્પ્યુટર લેબ્સથી સજ્જ કરવાની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત, આ મિશનનો હેતુ 1,50,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ્સ બનાવવાનો છે, જેમાં 1,09,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ્સનું કાર્ય પહેલાંથી જ પૂર્ણ થઈ ગયું છે અને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને 26,000 સ્માર્ટ ક્લાસરૂમ આપવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે. વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિષયમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી 5,000 નવી STEM લેબ્સનું નિર્માણકાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.
મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ બાળકોનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરશે
“મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ” અંતર્ગત સ્કૂલ ટ્રાન્સફોર્મેશન – સ્કૂલ ટ્રાન્સફોર્મેશન અન્વયે તમામ પસંદ થયેલા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યુટર લેબ, સ્ટેમ લેબ, ઓનલાઇન એસેસમેન્ટ, રેમેડિયલ ક્લાસ, હોલિસ્ટિક એજ્યુકેશન સ્કૂલ જેવી વિવિધ આયોજનબદ્ધ કામગીરી થશે. તેનાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એક કરોડ જેટલા વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે અને ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણના પાયા મજબૂત બનશે.