ગ્રામ પંચાયતના સરપંચપદની ચૂંટણીમાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રની હાર!
ડાસાની જીતપુર ગ્રામ પંચાયતમાં મંત્રી પુત્રની સંપૂર્ણ પેનલની હાર થતાં ચર્ચાનો વિષય બન્યો
એન્ટી ઈન્કબન્સીના કારણે પોતાના પુત્રની હાર થઈ હોવાનો ભીખુસિંહ પરમારે સ્વીકાર કર્યો
પુર્વ મંત્રી વાસણ આહીરનો પુત્ર પણ હારી ગયો
રાજ્યમાં 22 જૂને યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીના બુધવારે પરિણામ જાહેર થયા હતા. જેમાં કેટલીક ગ્રામ પંચાયતોમાં ચોંકાવનારા પરિણામો આવ્યા છે. રાજ્યની ભાજપ સરકારના મંત્રીના પુત્રને હારનો સામનો કરવો પડ્યો છે. અન્ન અને પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રની સરપંચપદની ચૂંટણીમાં કારમી હાર થઈ છે. હરીફ ઉમેદવારે 600 મતે પરાજય આપ્યો હતો. મંત્રી પુત્રની સમગ્ર પેનલની હાર થતાં મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાત સરકારમાં અન્ન અને પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કારમી હાર થઈ છે. મોડાસાના જીતપુર ગૃપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મંત્રીના પુત્ર કિરણસિંહ ભીખુસિંહ પરમાર અંદાજે 600 મતે ચૂંટણી હારી ગયા છે. જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભીખુસિંહ પરમાર બે ટર્મ સુધી સરપંચ રહ્યા હતા. જીતપુર ગ્રામ પંચાયતના સરપંચપદની ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર મંગળસિંહ પરમારને 1374 મત મળ્યા હતા. જ્યારે મંત્રી પુત્ર કિરણસિંહ ભીખુસિંહ પરમારને માત્ર 751 મત મળ્યા હતા.
ગ્રામ પંચાયત સરપંચપદની ચૂંટણીમાં રાજ્ય કક્ષાના મંત્રી પુત્રની હાર થતા અનેક સવાલો ઉઠ્યા છે. સરપંચના ઉમેદવાર કિરણસિંહ પરમાર સહિત વોર્ડ સભ્યની આખી પેનલ હારી ગઈ છે. છેલ્લાં 20 વર્ષથી ગ્રામ પંચાયતમાં મંત્રી ભીખુસિંહ પરમારના પરિવારનું વર્ચસ્વ હતું. પોતે ધારાસભ્ય અને મંત્રી હોવા છતાં ગ્રામ પંચાયત ન ચૂંટણી જીતી ન શકતાં આગામી દિવસોમાં તેના મોટા પડઘા પડે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2027મા વિધાનસભા ચૂંટણી યોજાનાર છે તે પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મંત્રી પુત્રની હાર થવી તે પક્ષ માટે ગંભીર બાબત બની ગઈ છે. રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારની હારથી જિલ્લામાં રાજકીય સમીકરણો બદલાય તેવી શક્યતા છે. પુત્રની હાર બાદ મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે, જનતાએ આપેલો ચૂકાદો શિરોમાન્ય છે. વિજેતા ઉમેદવાર મંગળસિંહને અભિનંદન છે. એન્ટી ઈન્કબન્સીના કારણે અમારો પરાજય થયો છે.
ભાજપના પૂર્વ મંત્રી વાસણ આહિરના પુત્રની પણ હાર
કચ્છ જિલ્લાના અંજાર તાલુકાની રતનાલ ગ્રામ પંચાયતની સરપંચપદની ચૂંટણીમાં ભાજપના પૂર્વ મંત્રી વાસણ આહિરના પુત્રની હાર થઈ છે. સરપંચપદની ચૂંટણીમાં વાસણ આહિરના પુત્ર ત્રિકમ આહિરની હાર થઈ છે. રતનાલમાં સરપંચપદના ઉમેદવાર શ્રેયાબેન વરચંદ સામે ત્રિકમ આહિર ચૂંટણી હારી ગયા છે. રતનાલ ગ્રામ પંચાયતમાં સરપંચપદ માટે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો.
ભાજપના પૂર્વ સાંસદના પૌત્રની પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાર
મહેસાણા લોકસભાના ભાજપના પૂર્વ સાંસદ અને ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ બોર્ડના પૂર્વ ચેરમેન પુંજાજી ઠાકોરના પુત્રની પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાર થઈ છે. વિસનગર તાલુકાની કમાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પુંજાજી ઠાકોરના પૌત્ર નરેન્દ્રસિંહ ઠાકોરની કારમી હાર થતાં મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.