મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
કચ્છમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના કુરન ગામમાં શાળા પ્રવેશોત્સવ પૂર્વે રાત્રિ રોકાણ કરીને ગ્રામસભા યોજી
—
શાળા પ્રવેશોત્સવમાં બાળકોના શાળા નામાંકન માટે છેવાડાના અને સરહદી વિસ્તારના ગામોમાં રાત્રિ રોકાણનો અભિગમ અપનાવતા શ્રી ભૂપેન્દ્ર પટેલ
:::::::::::::::::::
અગાઉના શાળા પ્રવેશોત્સવમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સાથેની આંતરરાજ્ય સરહદના ગામોમાં રોકાણ કર્યું હતું.
:::::::::;;;;;
બાળકોના શાળા પ્રવેશોત્સવ પહેલા ગ્રામજનો સાથે સામૂહિક સંવાદની મુખ્યમંત્રીશ્રીની આગવી સંવેદનશીલતા
————
કુરનમાં આંગણવાડીથી ધોરણ ૯ સુધીના ૧૦૪ બાળકોના શાળા નામાંકન સાથે સમગ્ર કચ્છમાં ૧.૩૪ લાખથી વધુ બાળકોનું શાળા પ્રવેશોત્સવ દરમિયાન નામાંકન
— ————
કચ્છમાં શાળા પ્રવેશોત્સવ બન્યો વિકાસોત્સવ:
કચ્છને ૧૦૮ કરોડના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી
*****
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બાળકોના શાળા નામાંકન માટે છેવાડાના અને સરહદી વિસ્તારના ગામોમાં રાત્રિ રોકાણ કરવાનો સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે.
આવા ગામોમાં રાત્રિ રોકાણ દરમિયાન મુખ્યમંત્રીશ્રી ગ્રામજનો સાથે પારંપારિક ગ્રામીણ જનજીવન શૈલીમાં ખાટલા બેઠકો યોજીને સામૂહિક સંવાદ કરવાનો ઉપક્રમ પણ યોજે છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ અગાઉના વર્ષોના શાળા પ્રવેશોત્સવ દરમ્યાન નર્મદા જિલ્લામાં મધ્ય પ્રદેશ ની સરહદ નજીકના ગ્રામીણ વિસ્તાર અને ડાંગ જિલ્લામાં મહારાષ્ટ્ર બોર્ડર નજીકના એક ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ રોકાણ કરીને ગ્રામજનો સાથે સંવાદ બેઠક યોજી હતી અને આ ગામોની વિકાસ લક્ષી વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હવે 2025ના આ વર્ષના શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે શનિવારે 28 જૂને કચ્છ જિલ્લામાં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના કુરન ગામમાં બાળકોનું શાળા નામાંકન કરાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી કુરન માં શાળા પ્રવેશોત્સવ કરાવતા પૂર્વે શુક્રવારે 27મી જુને કચ્છ પહોંચ્યા હતા. તેમણે ગામમાં રાતવાસો કરીને ગ્રામજનો સાથે રાત્રિ બેઠક યોજીને સંવાદ ગોષ્ઠી કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા કુરનના ગ્રામજનોને ઓપરેશન સિંદુર દરમ્યાન વહીવટી તંત્ર અને સેનાની સૂચનાઓનું પાલન કરીને આપેલા સહયોગ માટે અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના આવા છેવાડાના વિસ્તારોમાં પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી વિકાસની જે ગતિ થઈ છે તેની વિગતો ગ્રામજનોને આપી હતી.
તેમણે કહ્યું કે રીન્યુએબલ એનર્જી પાર્ક રોજગારીનું મોટું કેન્દ્ર બન્યો છે. સાથે સાથે રણોત્સવથી કચ્છના ગ્રામીણ જીવનમાં આર્થિક ઉન્નતિ આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનોની સ્થાનિક વિકાસકામોની જરૂરિયાત સંતોષવા સરકાર તેમની પડખે છે એવો વિશ્વાસ આપ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ શનિવારે 28 જૂને શાળા પ્રવેશોત્સવના સમાપન દિવસે સવારે કુરન ગામની શાળામાં બાલવાટિકા, આંગણવાડીથી લઈને ધોરણ ૯ સુધીના ૧૦૪ બાળકોનું નામાંકન કરાવ્યું હતું.
સમગ્ર કચ્છ જિલ્લામાં આ વર્ષના શાળા પ્રવેશોત્સવ અન્વયે 1.34 લાખથી વધુ બાળકોનું શાળા નામાંકન થવાનું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સરહદના સંત્રી તરીકેની ઓળખ ધરાવતા કુરનમાં નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પ્રવેશ મેળવનારા બાળકો સાથે સહજ સંવાદ કર્યો હતો અને શાળા સંચાલન સમિતિ-એસએમસીના સભ્યો સાથે બેઠક યોજીને શાળા તથા ગામની સુવિધાઓ, શિક્ષણની સ્થિતિ અને અન્ય વિકાસલક્ષી વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું.
એટલું જ નહિ પોતાના બાળકોના અભ્યાસ ની કાળજી લઈને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત ના નિર્માણ માં સહયોગ આપવાની અપિલ કરી હતી.
કચ્છ જિલ્લામાં શાળા પ્રવેશ ઉત્સવને વિકાસ ઉત્સવ બનાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાને ૧૦૭.૬૦ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ આપી હતી.
આ વેળાએ ધારાસભ્યો, પદાધિકારીઓ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ તેમજ ગ્રામજનો અને બાળકો તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.