AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિસાવદરની ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મીડિયા મિત્રો શુભેચ્છા મુલાકાત કરી
વિસાવદરના પરિણામ બાદ સમગ્ર ગુજરાતમાં નવી ઊર્જાનો સંચાર થયો: ગોપાલ ઇટાલીયા
ગુજરાતભરમાંથી શુભેચ્છાઓ અને પ્રેમનો વરસાદ કરવા બદલ ગુજરાતના તમામ લોકોને આભાર: ગોપાલ ઇટાલીયા
ચૂંટણી જીતવામાં મને ભાજપના પણ સારા લોકોએ પણ મદદ કરી છે: ગોપાલ ઇટાલીયા
મારી જીતમાં ભાજપના લોકો, AAPના લોકો અને સ્થાનિક તમામ લોકોની ભાગીદારી રહી છે: ગોપાલ ઇટાલીયા
ગુજરાતમાં ધારાસભ્ય તોડવાની દુકાન સી આર પાટીલ ચલાવે છે: ગોપાલ ઇટાલીયા
ઉમેશ મકવાણાના ખભા પર બંદૂક રાખીને સી આર પાટીલ પોતાનો ગુસ્સો ઉતારે છે: ગોપાલ ઇટાલીયા
સી આર પટેલને મારી ચેલેન્જ, ઉમેશ મકવાણાને રાજીનામું અપાવીને બોટાદમાં ફરીથી ચૂંટણી કરાવો: ગોપાલ ઇટાલીયા
ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે તેમ છતાં પણ સુરતમાં ચોમાસામાં પૂરને રોકવા માટે કોઈ આયોજન કરવામાં આવતું નથી: ગોપાલ ઇટાલીયા
સુરત સહિત ગુજરાતના તમામ મોટા શહેરોમાં દર વર્ષે ચોમાસામાં ભાજપ સર્જિત પૂર આવે છે: ગોપાલ ઇટાલીયા
સુરતમાં ભાજપના લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે એટલા માટે પૂર આવ્યું છે: ગોપાલ ઇટાલીયા
જુનાગઢ, અંકલેશ્વર, વડોદરા સહીત જ્યાં જ્યાં પણ પુર આવે છે, એ તમામ પુરનું કારણ ભાજપના લોકોએ કરેલા ગેરકાયદેસર બાંધકામ છે: ગોપાલ ઇટાલીયા
આવતીકાલે હું અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પુર અસરગ્રસ્ત વિસ્તારની અને ત્યાંના સ્થાનિકોને મુલાકાત લઈશું: ગોપાલ ઇટાલીયા
સમગ્ર આમ આદમી પાર્ટી પૂરની સ્થિતિમાં સુરતવાસીઓ સાથે ઉભી છે: ગોપાલ ઇટાલીયા
કતારગામમાં ટીપીની લડાઈમાં અનેક લોકો બેઘર થાય તે રીતે સરકારી તંત્ર દબાણ કરી રહ્યું છે: ગોપાલ ઇટાલીયા
મારી શપથવિધિ થયા બાદ હું સરકારી તંત્રની ઓફિશિયલ મીટીંગોમાં પણ હાજરી આપીશ: ગોપાલ ઇટાલીયા
ખૂબ જ ઝડપથી હું વિસાવદરમાં કાર્યાલય ખોલીશ, જ્યાં જનતાને નાના-મોટા તમામ કામોમાં અમે મદદ કરીશું: ગોપાલ ઇટાલીયા
વિસાવદરની ચુંટણીમાં મીડિયાએ પણ ખુબ સકારાત્મક ભૂમિકા ભજવેલ છે. આ ચૂંટણી અત્યંત રોચક હોવાના કારણે જનતા ક્ષણે-ક્ષણના સમાચાર મેળવવા માટે આતુર હતી એવા સમયે સમગ્ર મીડિયા તંત્રએ ખડેપગે રહીને જનતાને સમયસર સમાચાર પહોંચાડ્યા છે. આ તબક્કે તમામ મીડિયા મિત્રોએ સંપૂર્ણ સકારાત્મક રિપોર્ટિંગ કર્યું એ બદલ આમ આદમી પાર્ટીના વિસાવદર ચૂંટણીના વિજેતા ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા તમામ મીડિયા મિત્રોને આભાર વ્યક્ત કરવા એક શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, વિસાવદરના પરિણામ બાદ સમગ્ર ગુજરાતમાં નવી ઊર્જાનો સંચાર થયો છે. સમગ્ર ગુજરાતમાંથી મને હજારો લોકોના ફોન અને મેસેજ આવ્યા અને લોકોમાં નવી આશા અને ઉમ્મીદ જાગી હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગુજરાતભરમાંથી શુભેચ્છાઓ અને પ્રેમનો વરસાદ કરવા બદલ ગુજરાતના તમામ લોકોને આભાર વ્યક્ત કરું છું. હું ખાસ કરીને વિસાવદર ભેસાણ મતવિસ્તારના તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓએ ખૂબ જ મહેનત કરી. વર્ષ 2012-13થી અનેક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં છે અને તેઓ એક આશા સાથે કામ કરતા હતા તો એ તમામ કાર્યકર્તાઓના ચહેરા પર પણ આજે ખૂબ જ ખુશી દેખાઈ રહી છે તેનો મને ખૂબ જ આનંદ છે.
મારી જીત પાછળ અનેક લોકોએ મહેનત કરી છે. જ્યારે રાક્ષસી માનસિકતાનો નાશ કરવાનો હોય ત્યારે તમામ સારા લોકોએ સાથે મળીને ચાલવાનું હોય. તો આ ચૂંટણીમાં મને ભાજપમાંથી પણ ઘણા સારા લોકોએ મદદ કરી. કારણ કે ભાજપના લોકો પણ જાણતા હતા કે કયો માણસ કેવો છે અને કોણ કેવી વિચારધારા ધરાવે છે. સાથે સાથે સરકારી તંત્રમાં રહેલા નાના નાના અધિકારીઓએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી છે અને કોઈના પક્ષમાં રહ્યા વગર બેલેન્સમાં રહીને કામ કર્યું છે. ઘણા સરકારી કર્મચારીઓએ મારી તરફ નહીં અને બીજાના વિરોધમાં નહીં પરંતુ સંવિધાનને ધ્યાનમાં રાખીને પોતાની ફરજ બજાવી છે તે ખૂબ જ સારી બાબત છે. મારી જીતમાં આમ આદમી પાર્ટીના લોકો, ભાજપના સારા લોકો સહિત વેપારીઓ, ખેડૂતો અને સારા અને ઈમાનદાર કર્મચારીઓની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આ તમામ લોકોએ પોતાની જવાબદારી સમજીને કામ કર્યું છે ત્યારે મને જીત મળી છે.
ઉમેશ મકવાણા બાબતે હું એટલું કહીશ કે ગુજરાતમાં ધારાસભ્ય તોડવાની દુકાન સી આર પાટીલ ચલાવે છે. કોઈપણ પાર્ટીમાંથી ધારાસભ્યો તૂટે ફૂટે તો તેનું કામ સી આર પાટીલ કરતા હોય છે આ તેમનો રેકોર્ડ બોલે છે. હું સી આર પટેલને ચેલેન્જ આપવા માંગુ છું કે જો તમારામાં હિંમત હોય તો બોટાદમાંથી ઉમેશ મકવાણાનું રાજીનામું આપવો અને ફરીથી ચૂંટણી જાહેર કરાવો પછી જોઈ લઈશું કે જનતાનો ચુકાદો શું આવે છે. ઉમેશ મકવાણાના ખભા પર બંદૂક રાખીને સી આર પાટીલ પોતાનો ગુસ્સો ઉતારે છે કારણ કે વિસાવદરની ચૂંટણીમાં વિસાવદરની આમ જનતાએ સીઆર પાટીલ અને કિરીટ પટેલને ભૂંડી અને શરમજનક રીતે હરાવ્યા છે. આ વાતનો ગુસ્સો રાખીને સી આર પટેલ ઉમેશ મકવાણાના ખભા પર બંદૂક રાખીને નિમ્ન કક્ષાની હરકત કરી રહ્યા છે.
હાલ સુરતમાં પૂરની પરિસ્થિતિ છે, એ બાબતે હું એટલું જ કહેવા માંગીશ કે ગુજરાતના તમામ શહેરોમાં હંમેશા ભાજપ સર્જિત પૂર આવતું હોય છે. સુરતમાં ભાજપના લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે એટલા માટે પૂર આવ્યું છે. જુનાગઢ, અંકલેશ્વર, વડોદરા સહીત જ્યાં જ્યાં પણ પુર આવે છે, એ તમામ પૂરનું કારણ ભાજપના લોકોએ કરેલા ગેરકાયદેસર બાંધકામ છે. તો સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ પૂર આવે છે, ત્યાં ભાજપના લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય છે, તેના કારણે દર વર્ષે પૂર આવતું હોય છે. ફક્ત શહેરોમાં પૂર કેમ આવે છે? વરસાદ બહુ પડતો હોય તો પછી ગામડામાં પણ પૂર આવવું જોઈએ, પરંતુ એવું નથી થતું કારણ કે ભાજપના લોકોએ ગળા ડૂબ ભ્રષ્ટાચાર કર્યો છે અને આ ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર બાંધકામના કારણે પાણીના નિકાલની વ્યવસ્થા અટવાઈ ગઈ છે જેના કારણે પૂર આવે છે.
બીજી સુરતની વાત કરીએ તો સુરતમાં હાલ ખાડી પૂર આવે છે. સુરતમાં અનેક નાના નાના અને ગરીબ પરિવારોને તકલીફ પડી રહી છે. વર્ષોથી સુરતમાં મનપાથી લઈને રાજ્ય સરકારથી કેન્દ્ર સરકાર સુધી તમામ જગ્યાએ ભાજપનું શાસન છે. તેમ છતાં પણ જો દર વર્ષે જનતાએ પૂરનો ભોગ બનવું પડતું હોય તો તેનો સ્પષ્ટ મતલબ થાય છે કે ભાજપના તંત્ર દ્વારા સુરતના પૂરને પહોંચી વળવા માટે કોઈ આયોજન કરવામાં આવતું નથી. ભાજપના માણસોને સુરતના પૂરથી કોઈ ફરક ન પડતો હોય, તે ખૂબ જ દુર્ભાગ્યની બાબત છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને સૌથી પહેલા ચર્ચામાં અને રાજનીતિના ચિત્રમાં લાવવાનું કામ સુરતની જનતાએ કર્યું છે. સુરતની જનતાએ 2020-21ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો જીતાવીને આમ આદમી પાર્ટીને એક પ્લેટફોર્મ આપ્યું હતું તો આ માટે આમ આદમી પાર્ટી હંમેશા સુરતની જનતાને આભારી રહેશે. હાલ સુરતની જનતા મુશ્કેલીમાં છે માટે અમે નિર્ણય કર્યો છે કે આવતીકાલે હું અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત તમામ પ્રદેશના તથા સ્થાનિક નેતાઓ પૂર અસરગ્રસ્ત વિસ્તારની અને ત્યાંના સ્થાનિકોને મુલાકાત લઈશું. આ મુશ્કેલ સમયમાં જ્યારે સુરતની જનતાને આમ આદમી પાર્ટીના સાથ અને સહયોગની જરૂરત છે ત્યારે આમ આદમી પાર્ટી સુરતની જનતા સાથે ઉભી છે. આ સિવાય કતારગામમાં ટીપીની લડાઈમાં અનેક લોકો બેઘર થાય તે રીતે સરકારી તંત્ર દબાણ કરી રહ્યું છે. ત્યાં પણ અમે પીડિત પરિવારોની મુલાકાત લઈશું. જ્યાં પણ દુઃખનો સમય હશે ત્યાં હું જનતાની સેવા કરવા માટે હંમેશા ઉભો રહીશ.
જો વિસાવદરના કામોની વાત કરીએ તો હું અત્યારથી જ વિસાવદરના કામોમાં લાગ્યો છું અને સરકારી તંત્રને પણ મળી રહ્યો છું. શપથવિધિ બાદ હું ઓફિસિયલી સરકારી તંત્રની મીટીંગોમાં પણ હાજરી આપીશ. હાલ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે તો શિક્ષણની બાબત હોય, આરોગ્યની બાબત હોય, ખેડૂતોની બાબત હોય, ખાતરની કે ખાસ કરીને જબરદસ્તીથી પકડાવવામાં આવતું નેનો ખાતરની બાબત, વન વિભાગની બાબત હોય, કે જંગલી પ્રાણીઓની બાબત હોય, આવા જે કંઈ પણ મુદ્દાઓ છે તેના પર હું હાલ કામ કરી રહ્યો છું. ઓફિસ ખોલવા માટે પણ મેં નિર્ણય લીધો. 15 થી 20 દિવસમાં વિસાવદરમાં એક ધારાસભ્યની ઓફિસ ખોલવામાં આવશે અને આમ જનતાને કોઈપણ નાના-મોટા કામ હશે તે મારી ઓફિસમાંથી કરી આપવામાં આવશે.