AAPનું ગુજરાત જોડો અભિયાન શરૂ, અરવિંદ કેજરીવાલ કરશે શરૂઆત
AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવતીકાલે અમદાવાદથી ‘ગુજરાત જોડો સભ્યતા અભિયાન’નો પ્રારંભ કરશે
અરવિંદ કેજરીવાલ ગુજરાતના તમામ ઝોન, જિલ્લા અને વિધાનસભા સ્તરના આગેવાનો સાથે મુલાકાત કરશે
દરેક વિધાનસભામાં આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ પર ઉતરીને સભ્યતા અભિયાન ચલાવશે : ગોપાલ રાય
વિસાવદરમાં AAPની મોટી જીત, ગુજરાતમાં બદલાવનો સંદેશો : ગોપાલ રાય
ભ્રષ્ટાચાર અને ભયની સરકારને હટાવવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી: ગોપાલ રાય
વિસાવદરની ચૂંટણીમાં ભાજપની સંપૂર્ણ તાકાત નિષ્ફળ, જનતાએ આખા ગુજરાતને રસ્તો બતાવ્યો : ગોપાલ રાય
કોંગ્રેસની દગાબાજી લોકોને દેખાઈ ગઈ : ગોપાલ રાય
વોટ કાપવા નીકળેલી કોંગ્રેસની ચાલ નિષ્ફળ ગઈ, જનતાએ આપ્યો કરારો જવાબ : ગોપાલ રાય
ગ્રામ પંચાયત ચૂંટણીમાં પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો, જનતા હવે બદલાવના મૂડમાં : ગોપાલ રાય
મનરેગા કૌભાંડ પર સરકાર મૌન, લોકો જવાબ માગી રહ્યા છે : ગોપાલ રાય
ભ્રષ્ટાચારથી ત્રસ્ત ગુજરાત હવે આમ આદમી પાર્ટીને મજબૂત વિકલ્પ માને છે : ગોપાલ રાય
AAP જ ભાજપને મજબૂત ટક્કર આપી શકે છે અને ગુજરાતમાં બદલાવ શક્ય છે : ગોપાલ રાય
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, સહપ્રભારી દુર્ગેશ પાઠક અને આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ 13 એપ્રિલે વિસાવદર ખાતે પ્રદેશ સંમેલનનું આયોજન કર્યું હતું. પ્રદેશ સંમેલનમાં અમે ત્રણ લક્ષ્યાંક નક્કી કર્યા હતા. પહેલું લક્ષ્યાંક હતું વિસાવદરની પેટા ચૂંટણી જીતવી. બીજું લક્ષ્યાંક હતું સંપૂર્ણ તાકાત સાથે આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી લડવી અને સ્થાનિક સ્તરે ભાજપને જવાબ આપવો. ત્રીજું લક્ષ્યાંક હતું ભાજપની ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી ચાલી રહેલી સરકાર અને ભ્રષ્ટાચાર તથા ડરના શાસનને બદલીને ગુજરાતમાં પરિવર્તન લાવવા અને જનતાની સરકાર સ્થાપિત કરવી.
આમાંથી પહેલું લક્ષ્યાંક અમે હાંસલ કરી લીધું છે. વિસાવદરની જનતાએ અમને ખુબ પ્રેમ અને આશીર્વાદ આપ્યા જેના કારણે અમે ગયા વખતે કરતા ત્રણ ગણી બહુમતીથી જીત્યા અને સમગ્ર ગુજરાતમાં સંદેશો ગયો કે ગુજરાતમાં બદલાવ શક્ય છે. વિસાવદરની ચૂંટણી માત્ર ભાજપના ઉમેદવાર સામે ન હતી, આખી ભાજપ સરકાર મેદાનમાં ઉતરી હતી. પૈસા, સત્તા, આખું તંત્ર, ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ અને મુખ્યમંત્રી સહીત તમામ લોકો મળીને વિસાવદરની ચૂંટણી લડી રહ્યા હતા. પણ જ્યારે જનતાએ મન બનાવી લીધું ત્યારે વિસાવદરની જનતાએ સ્પષ્ટ સંદેશો આપી દીધો કે હવે ગુજરાતના લોકો ભાજપની નીતિ અને સરકારમાંથી મુક્તિ ઈચ્છે છે. વિસાવદરની જનતાએ એ પણ સ્પષ્ટ સંદેશો આપ્યો કે જો સમગ્ર સમાજના લોકો એક થાય તો ભાજપને હરાવી શકાય છે.
ગુજરાતની સ્થાપનાના સમય પછી 30 વર્ષ સુધી કોંગ્રેસને એવી જ રીતે લોકોએ પસંદ કરી હતી, પરંતુ જ્યારે કોંગ્રેસનો અત્યાચાર અને ભ્રષ્ટાચાર વધી ગયો ત્યારે 30 વર્ષના શાસન પછી કોંગ્રેસ પણ સત્તા પરથી ગઈ હતી. હવે ભાજપના પણ 30 વર્ષ પૂરા થઈ રહ્યા છે, એટલે જો ભાજપને હરાવવાનું હોય તો તમામ સમાજના વર્ગોના લોકોને એક સાથે આવીને ભાજપને હરાવવું પડશે. વિસાવદરમાં અમને બીજું પણ જોવા મળ્યું કે કોંગ્રેસે દગાબાજી કરીને પોતાનો ઉમેદવાર ઊભો કર્યો હતો. ભાજપે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો તોડી લીધા હતા અને આમ આદમી પાર્ટીનો એક ધારાસભ્ય તોડી લીધો હતો. જ્યારે પેટા ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસની પાંચ બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઊભો કર્યો નહીં, પણ જ્યારે વિસાવદરની બેઠક આવી ત્યારે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઊભો કર્યો. કોંગ્રેસે વોટ કાપવા માટે આ કામ કર્યું હતું, પણ વિસાવદરની જનતાએ એ પણ સંદેશો આપી દીધો કે કોંગ્રેસ કેટલીયે વોટ કાપવાનો પ્રયાસ કરે પરંતુ તે સફળ નહીં થાય કારણ કે આમ આદમી પાર્ટી લોકોના દિલમાં મજબૂત વિકલ્પ બની ગઈ છે.
વિસાવદરથી જે સંદેશો આવ્યો છે તે આખા ગુજરાતમાં ફેલાવવા માટે અમે એક મોટો કાર્યક્રમ યોજી રહ્યા છીએ. આવતીકાલે 2 જુલાઈએ અમદાવાદમાં સમગ્ર પ્રદેશના આગેવાનોનો સંમેલન યોજાશે. જેમાં સમગ્ર પ્રદેશના આગેવાનો, તમામ ઝોન સ્તરના આગેવાનો, લોકસભા સ્તરના આગેવાનો, જિલ્લા આગેવાનો અને વિધાનસભા આગેવાનો હાજર રહેશે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર રહેશે અને તમામ આગેવાનો સાથે મુલાકાત કરશે, તેમજ આવનારા કાર્યક્રમોને લીલી ઝંડી આપી દેશે. એટલે આવતીકાલથી આમ આદમી પાર્ટી ‘ગુજરાત જોડો સભ્યતા અભિયાન’ શરૂ કરી રહી છે. આ અભિયાનથી દરેક વિધાનસભામાં આમ આદમી પાર્ટી જમીન પર ઉતરીને જે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા માગે છે અને ગુજરાતમાં આવનારા બદલાવનો ભાગ બનવા માંગે છે તેઓને પાર્ટીમાં જોડશે.
વિસાવદરની ચૂંટણી બાદ ગ્રામ પંચાયતોના પરિણામો પણ આવ્યા છે અને તેમાં અમે જોયું કે લોકોએ મંત્રીઓના પરિવારજનોને પણ ચૂંટણીમાં હરાવ્યા છે. લોકોએ ભાજપના મોટા ધારાસભ્યો અને મંત્રીઓના સમર્થન ધરાવતા ઉમેદવારોને પણ હરાવ્યા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે હવે ગુજરાતના લોકો ભાજપને સહન કરી શકે તેમ નથી અને હવે લોકો બદલાવ ઈચ્છે છે. કારણ કે આજે તમે ક્યાંય પણ જુઓ તો બધે ભ્રષ્ટાચાર જોવા મળે છે. મનરેગામાં એટલો મોટો ઘોટાળો થયો છતાં આજ સુધી કોઈ મંત્રી પર કાર્યવાહી થઈ નથી. આ તમામ બાબતોને કારણે લોકો હવે કંટાળી ગયા છે અને લોકો બદલાવ ઈચ્છે છે અને હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટી એ એકમાત્ર વિકલ્પ છે જે રાજ્યમાં બદલાવ લાવી શકે છે અને ભાજપને મજબૂત ટક્કર આપી શકે છે.