અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 247 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધી કુલ 232 પાર્થિવદેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા છે. જ્યારે 15 પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવદેહ ઝડપથી સોંપવા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ પરિવારો સાથે સંપર્કમાં હોવાનું તંત્રએ જણાવ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ વધુમાં જણાવ્યુ હતું કે, 247 મૃતકોમાં 175 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 52 બ્રિટિશ નાગરિક, 1 કેનેડિયન તેમજ 12 નોન પેસેન્જરનો સમાવેશ થાય છે. 209 પાર્થિવદેહને સડક માર્ગે તથા 23 પાર્થિવદેહને હવાઈ માર્ગે તેમના નિવાસસ્થાને પહોંચાડવામાં આવ્યા છે.
ડો.રાકેશ જોશીએ જિલ્લા વાઈઝ સોંપવામાં આવેલા મૃતદેહોની વિગતો આપતાં કહ્યું હતું કે, રાજસ્થાનના ઉદયપુરના 7, વડોદરા 22, ખેડા 11, અમદાવાદ 66, મહેસાણા 7, બોટાદ 1, રાજસ્થાનના જોધપુર 1, અરવલ્લી 2, આણંદ 26, ભરૂચ 7, સુરત 12, પાલનપુર 1, ગાંધીનગર 7, મહારાષ્ટ્ર 2, દીવ 14, જુનાગઢ 1, અમરેલી 2, ગીર સોમનાથ 5, મહીસાગર 1, ભાવનગર 1, લંડન 8, પટના 1, રાજકોટ 3, રાજસ્થાન 1, મુંબઈ 10, નડિયાદ 1 , જામનગર 2, પાટણ 2, દ્વારકા 2, સાબરકાંઠા 1, નાગાલેન્ડ 1, મોડાસા 1, ખંભાત 1 અને પૂણે 1 ના પાર્થિવદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.15 પરિવારોને પાર્થિવદેહ સોંપવા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ પરિવારજનો સાથે સંપર્કમાં
તેમણે ઉમેર્યું કે, પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સીઓએ દુર્ઘટના ઘટી તે દિવસથી લઈને આજ સુધી ખડેપગે કામગીરી કરી છે.