* કચ્છના રણમાં બ્રોમીન બનાવતી બે કંપની આર્ચીયન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ અને એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝના ભાડાપટ્ટાના રૂા. ૧૩૦ કરોડ ન વસુલાયાનું કેગના રિપોર્ટમાં બહાર આવ્યું.
* આર્ચીયન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ અને એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ભાડાપેટે કરોડોની રકમ વર્ષોથી ન ચુકવનાર સામે ભાજપા સરકારનું ભેદી મૌન
કચ્છના રણમાં બ્રોમીન બનાવતી બે કંપની આર્ચીયન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ અને એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝના ભાડાપટ્ટાના રૂા. ૧૩૦ કરોડ કરતા વધુની રકમ ન વસૂલીને સરકારી તિજોરીને ભારે નુકશાન થયું છે બીજીબાજુ આર્ચીયન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ અને એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝે ભાજપને ૧૦ કરોડ કરતા વધુનું ડોનેશન આપ્યું છે. જે “ચંદા દો… ધંધા લો”, ભાજપાને ફંડ આપો અને સરકારી ફાયદા મેળવોની નીતિ વધુ એકવાર ઉજાગર થઇ છે ત્યારે ભાજપા સરકાર મોટા ઉદ્યોગપતિ, ઉદ્યોગગૃહના બાકી નાણા કયારે વસુલાશે ? તેનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કચ્છમાં પથરાયેલ ૪૦૦ કિ.મી.ના દરિયાકિનારામાં સમુદ્રી પાણીમાંથી મીઠું પકવવાના તેમજ અન્ય રાસાયણિક પેદાશો બનાવવાના અસંખ્ય ઉદ્યોગો કાર્યરત છે. આ ઉદ્યોગોમાં સરકારી જમીન ફાળવણી અને તેમાં કરાર મુજબની મુદ્દતે ભાડાપેટે ભરવાની થતી રકમમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થતા હોવાનું અવારનવાર સામે આવે છે. સરકારના નાણાંકીય વ્યવહાર પર નજર રાખતી કમ્પ્ટ્રોલર એન્ડ એકાઉન્ટ જનરલ (કેગ) દ્વારા કચ્છના દરિયામાંથી રાસાયણિક ઉત્પાદન કરતી બે કંપની આર્ચીયન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ અને એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી નાણાં ખાતા દ્વારા જમીનની વસુલાત ન થયું હોવાનું દર્શાવાયું છે, જેના કારણે સરકારને રૂા. ૧૩૦ કરોડની ખોટ ગઈ હોવાનું જણાવાયું છે. આર્ચીયન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ માટે રૂા. ૧૫૫ પ્રતિ ચો.મી. જંત્રીના ભાવે કુલ ૫૦ લાખ ચો.મી. જમીન કે જેની અંદાજિત રકમ રૂા. ૭૭.૫૦ કરોડ અને એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝને અપાયેલ જમીનના ચો.મી. દીઠ જંત્રીના ભાવ રૂા. ૬૫ના હિસાબે ૮૦,૦૦૦ ચો.મી. જમીનના કુલ રૂા. ૫૨ કરોડ થાય, આ બંને કંપનીના મળીને કુલ રૂ. ૧૩૦.૧૧ કરોડની વસુલાત ૧૫%ના વાર્ષિક ભાડાથી જમીન ફાળવણીના ભોગવટા મુજબ વસુલાત થવી જોઈએ. કચ્છના રણમાં બ્રોમીન અને દરિયાઈ રસાયણો મેળવવા માટે અપાયેલ જમીનોની મુદ્દત વીત્યે રીન્યુઅલ પહેલાં તેમજ તમામ બાકી રકમ વર્ષની શરૂઆતમાં જ વસૂલ કરવાની થતી હોય છે, પરંતુ આ રકમ શા માટે વસૂલ કરવામાં આવતી નથી ? તે અંગે ભાજપ સરકાર જવાબ આપે.
મીઠાના અગરો માટે અપાયેલી જમીન પૈકીની સોલારીસ દ્વારા પ્રોસેસિંગ માટેની જમીનોના બજારભાવે કબજા ભોગવટા કિંમત ચૂકવણી સામે એ જ અરસામાં એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મેળવાયેલી ૧૦,૦૦૦ એકર જમીનમાંથી ૮,૦૦૦ એકર જમીન મીઠાના અગરો માટે તેમજ ૨,૦૦૦ એકર જમીન ફેક્ટરી, રહેઠાણ, ગેસ્ટહાઉસ માટે અનામત રખાઈ હતી, જેની વસુલાત ન થઈ હોવાનું કેગના રિપોર્ટમાં જણાવાયું છે. તેવી જ રીતે આર્ચીયન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પણ તેને ફળવાયેલી ૨૪,૦૦૦ હેક્ટર જમીનમાંથી ૫૦૦ હેક્ટર જમીન પ્લાન્ટ અને યંત્રસામગ્રી રાખવા અનામત રખાઈ હતી, તેની પણ ભોગટા કિંમત વસુલ કરાઈ ન હતી, જે તાત્કાલિક વસુલ કરવા અને સરકારી તિજોરીને થતું નાણાંકીય નુકસાન અટકાવવા ડો. મનીષ દોશીએ માંગણી કરી હતી.
ડૉ. મનિષ એમ. દોશી
મીડીયા કન્વીનર અને પ્રવક્તા