ભુપેન્દ્ર પટેલ અધિકારીઓ તમને બનાવે છે, તમે ગુજરાતમાં સૌથી નબળા સીએમ તરીકે ઓળખાશો !
ભુપેન્દ્ર પટેલ આ રસ્તા ચોમાસાના કારણે નહી પણ કમિશનના કારણે તુટ્યા છે ! તમે કોને બનાવો છો !
સીએમ ભુપેન્દ્ર પટેલે માર્ગો પુલો હાઇવેને લઇને ચર્ચા કરી,,જે તુટી ગયા છે તેને જલ્દી બનાવવા માટે અધિકારીઓને સુચના આપી,, પણ આ મિટીંગમાં રોડ કેમ તુટ્યા તેની ચર્ચા નથી થઇ,,કોના ભ્રષ્ટાચારના કારણે તુટ્યા તેને લઇને કોઇ સમીક્ષા નથી થઇ,,જો અધિકારીઓને ઠપકો આપવાનો નહતો ,કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવાના નહતા, કોઇની જવાબદારી નક્કી કરવાની નહતી તો બેઠક શેના માટે હતી, સવાલ મોટો છે, શુ ફરીથી આ રસ્તાઓ માટે સરકાર પૈસા ફાળવશે અને તેમાં ભાજપના લોકોને કોન્ટ્રાક્ટ અપાશે, અને ફરી ભ્રષ્ટાચાર થશે,
રાજ્યમાં માર્ગો-પુલો-હાઇવેની સ્થિતિની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી
——–
* ચોમાસા દરમિયાન જ્યાં નુકસાન થયું છે ત્યાં યુદ્ધના ધોરણે રીપેરીંગ કામ હાથ ધરીને સ્થિતિ પૂર્વવત કરવા મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન
* વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રીપેરીંગ કામગીરી ચાલુ રહે તે માટે તાકીદ કરતા મુખ્યમંત્રીશ્રી
* ડિફેક્ટ લાયાબિલિટી પિરિયડ દરમિયાન જે માર્ગો-પુલોને નુકસાન થાય તેવા કિસ્સામાં ઈજારદારની જવાબદારી ફિક્સ થવી જોઈએ
* નગરો મહાનગરોમાં વોટર લોગીંગ-અન્ડરબ્રીજમાં પાણી ભરાવા જેવી સમસ્યાના કાયમી નિવારણ માટે લાંબાગાળાના ઉપાયો યોજવા પ્રેરક સૂચન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
* કામોમાં ગુણવત્તા જળવાય-પ્રજાજનોના જન જીવનમાં માર્ગોની મરામતોમાં વિલંબને કારણે રૂકાવટ ન આવે તે સુનિશ્ચિત કરવાના દિશાનિર્દેશો
———
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઇવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પુનઃ પુર્વવત બનાવવા તાકીદ કરી છે.
વિકાસની ધોરીનસ અને નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરાય તેવા દિશાનિર્દેશો પણ મુખ્યમંત્રીશ્રીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારો તેમજ નગરો-મહાનગરો સહિત નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગ, પંચાયત હસ્તકના માર્ગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, માર્ગો-પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ ન જોવી જોઈએ. વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિતમાં રીપેરીંગ કામગીરી ચાલુ જ રહે તેવા દિશા નિર્દેશો મુખ્યમંત્રીશ્રીએ બેઠકમાં આપ્યા હતા.
તેમણે કહ્યું કે, જે કામોમાં ડિફેક્ટ લાયાબીલીટી પિરિયડ દરમિયાન નુકસાન થયું હોય કે, મરામતની જરૂર પડી હોય તેવા કિસ્સામાં ઇજારદારની જવાબદારી ફિક્સ કરીને પગલાં લેવાવા જ જોઈએ. આ સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એવી પણ તાકીદ કરી હતી કે કામો ગુણવત્તાયુક્ત થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.
રાજ્યની મહાનગરપાલિકાઓ મ્યુનિસિપલ કમિશનરો આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ મહાનગરોમાં રસ્તા, અંડરબ્રિજ, વોટર લોગિંગ વગેરેની સમસ્યા જ્યાં છે ત્યાં ત્વરાએ મરામત કામગીરી હાથ ધરી શહેરોમાં પરિસ્થિતિ પૂર્વવત કરવા પણ સૂચનો કર્યા હતા. એટલું જ નહિ, શહેરોમાં આ સમસ્યાના લાંબાગાળાના નિવારણના ઉપાયો હાથ ધરવાનું આયોજન કરવા પણ એમણે સૂચવ્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ મરામત કામોમાં NHAI, માર્ગ મકાન વિભાગ, પંચાયત, નગરપાલિકાઓ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સંકલન સાધીને ટીમવર્કથી કામગીરી માટેના સૂચનો પણ કર્યા હતા.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાવા, પુલો-નાળા કોઝવેને નુકસાન કે ડામર રોડને નુકસાન જેવી બાબતો તાત્કાલિક ધ્યાન પર લેવાવી જોઈએ.
આ હેતુસર ગાંધીનગરમાં નિર્માણ ભવન ખાતે કાર્યરત 24×7 કંટ્રોલ રૂમને માહિતી મળે કે તુરંત જ સંબંધિત અધિક્ષક, કાર્યપાલક, નાયબ ઈજનેરને સ્થળ પર જઈને મરામત માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમણે દિશાનિર્દેશો આપ્યા હતા.
મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના માર્ગો-પુલો – હાઇવેની પ્રવર્તમાન સ્થિતિ અંગે રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં માર્ગ મકાન વિભાગ દ્વારા વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી.
જે માર્ગોને વરસાદને કારણે અસર થઈ છે ત્યાં મોટા ભાગે સ્ટ્રક્ચર અને બ્રિજની કામગીરી પ્રગતિમાં છે. 243 જેટલા પુલો પર આવી કામગીરી હાથ ધરી તેના ડાયવર્ઝનનું સતત મોનિટરિંગ કરાય છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ હાઈવેની સ્થિતિ અંગે NHAIના અધિકારીઓએ કહ્યું કે, આ વર્ષે ચોમાસા દરમિયાન નેશનલ હાઈવેને જે 83 કિ.મી.માં નુકસાન થયું છે તેમાંથી 58 કિલોમીટરમાં મરામત કામ પૂર્ણ થયું છે અને બાકીના 25 કિલોમીટરનું કામ ત્વરાએ પૂર્ણ કરી દેવાશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, રાજ્ય સરકાર નાગરિકોના જનજીવનમાં માર્ગોની મરામતોમાં વિલંબને કારણે કોઈ રૂકાવટ આવે નહીં અને કામો સમયબદ્ધ ગુણવત્તાયુક્ત ધોરણે થાય તે માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આ માટે સંબંધિત વિભાગો પણ તત્કાલ મરામત કામો હાથ ધરીને લોક અપેક્ષા સંતોષે તેવી સૂચના તેમણે આપી હતી.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ.એસ. રાઠૌર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીઝ સુશ્રી રેમ્યા મોહન, મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી. શ્રી ધીરજ પારેખ, માર્ગ-મકાન સચિવ શ્રી પ્રભાત પટેલિયા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.