ડેડીયાપાડામાં અરવિંદ કેજરીવાલનું શક્તિ પ્રદર્શન
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ચૈતર વસાવાના સમર્થનમાં ડેડીયાપાડામાં વિશાળ જનસભા યોજી અને ભાજપને લલકાર્યું
ચૈતર વસાવાએ પત્ર દ્વારા આદિવાસી સમાજને સંદેશો આપ્યો
ઠેર ઠેર એક જ નારો સંભળાઈ રહ્યો છે “જેલના તાળા તૂટશે, ચૈતર વસાવા છૂટશે”: અરવિંદ કેજરીવાલ
ચૈતર વસાવાએ મનરેગામાં 2500 કરોડ રૂપિયાનો કૌભાંડ ઉઘાડ્યું, એ કારણે તેમને જેલમાં નાંખવામાં આવ્યા: અરવિંદ કેજરીવાલ
ભાજપના દમનના કારણે આજ આખો આદિવાસી સમાજ ભાજપથી નારાજ છે: અરવિંદ કેજરીવાલ
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની ગઠબંધન સરકાર ચાલી રહી છે: અરવિંદ કેજરીવાલ
ચૈતર વસાવાએ પોતાના સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો અને જેના કારણે ભાજપએ તેમને જેલમાં નાંખી દીધા: અરવિંદ કેજરીવાલ
ચૈતર વસાવાએ શાળા, હોસ્પિટલ, જંગલ-જમીનના મુદ્દા ઉઠાવ્યા: અરવિંદ કેજરીવાલ
આદિવાસી સમાજના પૈસા ભાજપના લોકો ખાઈ જાય છે: અરવિંદ કેજરીવાલ
ગુજરાતમાં ઠેર ઠેર રસ્તા તૂટેલા છે, ફ્લાયઓવર અને બ્રિજ તૂટી રહ્યા છે, ચારે બાજુ દારૂ વેચાઈ રહ્યો છે: અરવિંદ કેજરીવાલ
આદિવાસી સમાજ ઊભો થયો તો ભાજપ અને કોંગ્રેસ બંનેની જમાનત જપ્ત થઈ જશે: અરવિંદ કેજરીવાલ
ચૈતર વસાવાને દબાવવા માટે ભાજપ વારંવાર ખોટા કેસ કરે છે: ભગવંત માન
30 વર્ષથી ગુજરાતમાં કોઈ વિપક્ષ જ નહોતું, હવે AAP આવી ગઈ છે: ભગવંત માન
ગુજરાતમાં વારંવાર પેપર લીક થાય છે: ભગવંત માન
જ્યાં મીટિંગ થઈ હતી ત્યાં કોઈ ઘટના જ બની નહોતી, પણ ભાજપના લોકોએ ખોટી કહાની બનાવી છે: વર્ષા વસાવા
પોલીસ દ્વારા CCTV ફૂટેજ પણ ગુમ કરી દેવામાં આવ્યા છે: વર્ષા વસાવા
ચૈતર વસાવાની લોકપ્રિયતાથી ડરીને ભાજપએ તેમને જેલમાં નાખ્યા: ઇસુદાન ગઢવી
2027માં AAPની સરકાર બનાવીશું અને પેસા એક્ટ લાગુ કરીને આદિવાસી સમાજના ચરણોમાં અર્પણ કરીશું: ઇસુદાન ગઢવી
જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની તમામ બેઠકો પર જમાનત જપ્ત થવી જોઈએ: ઇસુદાન ગઢવી
ચૈતર વસાવાએ ગામ-ગામમાં યુવાઓની ફૌજ ઊભી કરી, જેના કારણે ભાજપ ડરી ગઈ: ગોપાલ ઇટાલિયા
ભાજપના લોકો ગુંડાઓ અને લફંગાઓને ધારાસભ્ય બનાવે છે, કેજરીવાલજીએ ચૈતર વસાવા અને મારી જેમ યુવાનને ધારાસભ્ય બનાવ્યા: ગોપાલ ઇટાલિયા
તાલુકા-જિલ્લા પંચાયતોમાં AAPના ઇમાનદાર લોકોને જીતાડો અને આ ચોર-લૂંટારાઓને ઘેર બેસાડો: ગોપાલ ઇટાલિયા
અમદાવાદ/નર્મદા/ભરૂચ/ગુજરાત
ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાના કારણે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાને ખોટા કેસમાં જેલ મોકલવામાં આવ્યા છે. આ ગંભીર મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ડેડીયાપાડાની મુલાકાત લીધી છે. આજે, 24 જુલાઈના રોજ અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબે ડેડીયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ જનસભાને સંબોધિત કરી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, ખેડૂત સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા, ચૈતર વસાવાની ધર્મપત્ની વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, વિદ્યાર્થી નેતા સામંત ગઢવી, રામભાઈ ધડુક, અશોક ઓઝા, નરેશ બારિયા, યાકૂબ ગુરુ, રાધિકાબેન રાઠવા, પિયુષ પટેલ, નિરંજન વસાવા, બાબુભાઈ ડામોર, કમલેશ પટેલ, પંકજ પટેલ (નવસારી), ડૉ. દયારામ વસાવા, સ્નેહલ વસાવા, અરવિંદ ગામિત, રુસ્તમ ગામિત, મહેન્દ્ર ગામિત, મહાદેવ વસાવા, વિક્રમ વસાવા, રાજેન્દ્ર વસાવા, જગદીશ વસાવા, શૈલુભાઈ, દેવાભાઈ વસાવા, એડવોકેટ હરીસિંહભાઈ, એડવોકેટ ધર્મદાસ વસાવા, સંદીપ વસાવા, વિક્રમભાઈ તડવી, ગીર્ધનભાઈ વસાવા, અર્જુનભાઈ માશી અને ભરતસિંહ અટાલિયા સહિત આમ આદમી પાર્ટીના અનેક પ્રદેશ તથા સ્થાનિક પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, વિવિધ આદિવાસી સમાજના અલગ-અલગ સંગઠનોના પ્રમુખો અને હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા.
ડેડીયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આયોજિત વિશાળ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ આદિવાસી સમાજના હજારો લોકોની સામે પોતાની વાત રાખતાં જણાવ્યું કે, આજે જ્યાં જુઓ ત્યાં લોકો નારા લગાવી રહ્યા છે કે “જેલના તાળા તૂટશે, ચૈતર વસાવા છૂટશે” આજે અહીં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર છે કારણ કે ભાજપની સરકારે છેલ્લા ઘણાં વર્ષોથી આદિવાસી સમાજનું શોષણ કર્યું છે, આદિવાસી સમાજ પર દમન કર્યું છે, આદિવાસી સમાજનો હક છીનવી લીધો છે — જેના કારણે આજે આખું આદિવાસી સમાજ ભાજપથી ખૂબ જ નારાજ છે. તમે લોકો એવાં ઘણાં વર્ષોથી ભાજપને પણ મત આપ્યો, કોંગ્રેસને પણ મત આપ્યો — પણ ભાજપ અને કોંગ્રેસમાંથી કોઈ પણ નેતાએ તમારા માટે અવાજ ઉઠાવ્યો નહીં, કોઈ મંત્રીએ તમારા માટે અવાજ ઉઠાવ્યો નહીં, કોઈ પાર્ટીએ તમારું પ્રતિનિધિત્વ કર્યું નહીં. 2022માં જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ આવી, ત્યારે ડેડીયાપાડામાંથી આદિવાસી સમાજનો યુવાન ચૈતર વસાવા ચૂંટણી લડવા ઊભા રહ્યા — તો આદિવાસી સમાજે ભારે બહુમતથી તેમને ધારાસભ્ય બનાવી દીધા. ત્યારથી ચૈતર વસાવા તમારી લડાઈ લડી રહ્યા છે. ચૈતર વસાવાએ તમારા બાળકો માટે શાળાઓના મુદ્દા ઉઠાવ્યા, હોસ્પિટલોના મુદ્દા ઉઠાવ્યા, વીજળીના મુદ્દા ઉઠાવ્યા, જંગલ-જમીનના મુદ્દા ઉઠાવ્યા, સમગ્ર આદિવાસી વિસ્તારોમાં રસ્તાઓની હાલત અંગે અવાજ ઉઠાવ્યો. જેમ જેમ ચૈતર વસાવાએ તમારી અવાજ બનેલાં — તેમ તેમ તેમના હાથમાં અલગ અલગ દસ્તાવેજો આવ્યા અને તેમને દેખાઈ ગયું કે ભાજપના લોકો શાળાઓના પૈસા ખાઈ ગયા, હોસ્પિટલોના પૈસા ખાઈ ગયા, રસ્તાઓના પૈસા ખાઈ ગયા. જ્યારે ચૈતર વસાવાને ખબર પડી કે આ બધો પૈસો ભાજપના નેતાઓની ખીસામાં જઈ રહ્યો છે — તો તેમણે અવાજ ઉઠાવ્યો.
ભાજપનો એક નેતા જે સાઇકલ લઈને ફરતો હતો, થોડા વર્ષોમાં તેની પાસે મોટી મોટી કાર આવી ગઈ, મહેલ જેવા બંગલા બની ગયા — તો આ બધું ક્યાંથી આવ્યું? હકીકત એ છે કે આ બધો પૈસો ભાજપના નેતાઓ પાસે આવે છે — અને એ તમારાં પૈસા છે, તમારાં શાળાઓના પૈસા, તમારાં હોસ્પિટલોના પૈસા, તમારાં રસ્તાના પૈસા — જે ભાજપના નેતાઓ ખાઈ જાય છે. ચૈતર વસાવાએ ધારાસભ્ય બનતાં જ ભાજપના ભ્રષ્ટાચારની પોલ ખોલવાનું કામ શરૂ કર્યું. પહેલી વાર કોઈ આદિવાસી સમાજની અવાજ બન્યો. ભાજપને સમજાઈ ગયું કે જો ચૈતર વસાવા આવાં જ રીતે આદિવાસી સમાજની અવાજ બનેલાં રહેશે — તો ભાજપને કોઈ પણ મત આપશે નહીં. પછી કેન્દ્ર સરકારની મનરેગા નામની યોજના છે, જેમાં 100 દિવસનો રોજગાર મળે છે. જ્યારે કોઈ ગરીબથી ગરીબ માણસ હોય છે — તો તે માણસ 100 દિવસની મજૂરી કરવા જાય છે. જેમના ઘરમાં બે ટાઈમનું ભોજન પણ યોગ્ય રીતે મળતું નથી — તે લોકો મનરેગાની 100 દિવસની મજૂરી માટે જાય છે. પણ ભાજપવાળા એટલા ગંદા છે, એટલા નીચ સ્તરના લોકો છે — કે એ લોકો તમારા 100 દિવસના રોજગારના પૈસા પણ ખાઈ ગયા. ચૈતર વસાવાએ મનરેગાના ભ્રષ્ટાચારની આખી પોલ ખોલી નાખી. પહેલા તેમણે વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો, પછી મીડિયા સામે અવાજ ઉઠાવ્યો, પછી રસ્તા પર અવાજ ઉઠાવ્યો — પણ છતાં ભાજપની સરકારોએ પોતાના મંત્રીએ રાજીનામું આપ્યું નહીં. પણ ચૈતર વસાવાએ પણ પૂરી શક્તિ લગાવીને ભાજપના મંત્રીના બંને પુત્રોને જેલમાં મોકલી દીધા. એટલે હવે ભાજપે ચૈતર વસાવાને જ જેલમાં મોકલી દીધા. ચૈતર વસાવાએ કોઈ ગુનો કર્યો નથી કે કોઈ અપરાધ કર્યો નથી. વર્ષાબેનએ હમણાં કહ્યું કે ભાજપના કહેવાથી પોલીસે CCTV ફૂટેજ પણ ગાયબ કરી દીધાં. આથી સ્પષ્ટ થાય છે કે ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યા છે અને ચૈતર વસાવા પર ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ભાજપને લાગે છે કે ચૈતર વસાવાને જેલમાં મોકલીને તેઓ તેને ડરાવી દેશે. હું ભાજપવાળાને કહેવા માંગું છું કે અમારો ચૈતર વસાવા બબ્બર શેર છે. એમણે મને પણ 1 વર્ષ સુધી જેલમાં રાખ્યો — તેમને લાગ્યું કે હું ડરી જઈશ. તેમણે મનીષ સિસોદિયા, સંજય સિંહ, સતેન્દ્ર જૈન સહિત આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓને જેલમાં નાખી દીધા. તેમને લાગે છે કે અમે આમ આદમી પાર્ટીવાળા ભાજપની જેલોથી ડરી જશે. તેમને લાગ્યું કે અમને જેલમાં મોકલીને એ લોકો અમારી પાર્ટીને તોડી નાંખશે — પણ હકીકત એ છે કે જેલમાં ગયાં પછી અમારી પાર્ટી વધુ મજબૂત બની. હાલ 2027ની ચૂંટણી માટે હજુ 2 વર્ષ બાકી છે — તમે જોઈ લેશો, આ લોકો ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવીને પણ જેલમાં મોકલશે. એક કહેવત છે — “વિનાશ કાળે વિપરીત બુદ્ધિ”, તો બસ એજ થઈ રહ્યું છે. ભાજપવાળાઓની બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઈ છે. જ્યારે ભગવાન કોઈને બરબાદ કરવું હોય છે, ત્યારે એ પહેલા તેની બુદ્ધિ ભ્રષ્ટ કરે છે. આ લોકો જેટલાં પણ અમારા નેતાઓને જેલમાં મોકલશે, જનતા તેટલી જ વધુ મજબૂતીથી અમારી સાથે ઉભી રહેશે.
ગઇકાલે અમે મોડાસામાં હજારોની સંખ્યામાં પશુપાલકો અને ખેડુતો સાથે મળીને મહાપંચાયત કાર્યક્રમ કર્યો. હકીકતમાં, પશુપાલક પોતાનાં હક અને ન્યાય માટે ડેરી સામે ગયા હતા, પણ ભાજપ સરકારએ નિર્દયતાપૂર્વક પોલીસનો ઉપયોગ કર્યો — જેમાં આપણા એક પશુપાલક ભાઈનું મોત થયું. અમારા નેતા ઇસુદાન ગઢવી મૃતક અશોકભાઈ ચૌધરીના ઘરે પણ ગયા અને જોયું કે તેમના ઘરે છત પણ નથી — એ વ્યક્તિ એટલો ગરીબ હતો. ભાજપના લોકોએ ખેડૂત અને પશુપાલકોના હકના પૈસા લૂંટીને પોતાને મોટા-મોટા મહેલ બાંધ્યા, મોટી-મોટી કારો લઈ લીધી, પણ જે પૈસા હતા એ પશુપાલકના ઘરની ઉપર છત પણ નહોતી. દિવસ-રાત મહેનત કરીને એક પશુપાલક દુધ એકઠું કરે છે — અને જે ફેટ ચેક કરવાની મશીન હોય છે, તેમાં પણ ખામી છે અને ત્યાંથી પણ પશુપાલકોને લૂંટવામાં આવે છે. આજે ગુજરાતમાં જગ્યાએ જગ્યાએ રસ્તાઓ તૂટી ગયેલા છે, ફ્લાયઓવર અને પુલ તૂટી રહ્યા છે, ચારેય તરફ બનાવટી દારૂ વેચાય છે — તો હવે તમારે, એટલે કે ગુજરાતના દરેક વ્યક્તિએ ઊભું થવું પડશે. તમારે જાતે આ લડાઈ લડવી પડશે — અને જો તમે જાતે ઊભા રહી જશો, તો તમારા સામે કોઈ ટકી શકશે નહીં. આમ આદમી પાર્ટી હંમેશા સામાન્ય લોકોને ચૂંટણીની ટિકિટ આપે છે. અમે એક સામાન્ય યુવાન ચૈતર વસાવાને ટિકિટ આપી. ચૈતર વસાવાના ઘરમાં કોઈ નેતા નથી — અને તો એ, મારા કે ઇસુદાન ગઢવીના ઘરમાં પણ કોઈ નેતા નથી. અમે સામાન્ય લોકો છીએ અને અમે અમારા જેવા સામાન્ય લોકોને જ ટિકિટ આપીએ છીએ.
હું આ મંચ પરથી આહ્વાન કરવું છું કે હવે થોડા મહિનામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચુંટણીઓ આવવાના છે. હું કહું છું કે તમે બધા આગળ આવો, અમે તમને ટિકિટ આપીશું, અમે યુવાઓને ટિકિટ આપીશું, અમે ગરીબોને ટિકિટ આપીશું, અમે સામાન્ય લોકોને ટિકિટ આપીશું. હું કહેવું છું કે તમારાં ગામની જવાબદારી તમારે પોતે લેવી પડશે, બહારથી કોઈ તમારી મદદ કરવા નહીં આવે, આપણે પોતે પોતાની મદદ કરવી પડશે, આપણે પોતે આપણાં માટે આગળ આવવું પડશે. શું તમે લોકો તૈયાર છો તમારી પરિસ્થિતિ બદલવા માટે? શું તમે લોકો તૈયાર છો ચૈતર વસાવાનું બદલો લેવા માટે? હું તમારાં બધાંને કહેવું છું કે તમે લોકો આગળ આવો, અમે તમને ટિકિટ આપીશું અને પછી તમારે બધાંએ મળી ને ઘર-ઘર જવાનું છે અને દરેક ઘરમાં જઈને તમારે ચૈતર વસાવાનું બદલો લેવાનું છે. આવનારી દરેક ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપની જમાનત જપ્ત કરાવી દેવાની છે.
હું એક વધુ ખાસ વાત કહેવી છું કે કોંગ્રેસ પાર્ટીથી સાવધાન રહેજો. ગુજરાતમાં માત્ર ભાજપની સરકાર નથી, પણ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર ચાલી રહી છે. આ બંને લોકો મળીને તમને લૂંટે છે. તમારું મનરેગાનના પૈસા તેઓએ મળીને લૂટી લીધું છે, તમારાં રસ્તાઓનાં પૈસાં પણ ભાજપ અને કોંગ્રેસે મળીને લૂંટ્યા છે. તમારા સ્કૂલ, હોસ્પિટલ, પાણી, જંગલ, જમીન, ફ્લાયઓવર, રસ્તા, દારૂના ધંધા — બધાનું પૈસા આ લોકો મળીને વહેંચી લે છે. કોંગ્રેસ તો એ જ નથી ઇચ્છતી કે ભાજપ હારે. અત્યાર સુધી ગુજરાતમાં વિરોધ પક્ષ જ નહોતું, પણ હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિરોધ પક્ષ બનીને આવી છે. અમે તમારાં માટે લડીશું અને તમારાં સાથે ખભે ખભા મિલાવીને આગળ વધીશું, પણ જવાબદારી તમને જ લેવી પડશે. તમે લોકો ઊભા થવા પડશે, તમારે લોકો આગળ આવવું પડશે. હું તમારાં બધાંને કહેવું છું કે હવે બધાએ મળીને ચૈતર વસાવાની ધરપકડનો એવો બદલો લેવો છે કે બીજી વાર ભાજપવાળા ચૈતર વસાવાને ખોટા કેસમાં જેલમાં મોકલવાની હિંમત પણ ન કરે. વર્ષાબેન જે સંદેશો વાંચી ને સંભળાવ્યો એજ ચૈતર ભાઈનો સંદેશો તમારે દરેક ઘરમાં જઈને સંભળાવવો છે. ઉત્તર ગુજરાતમાં પશુપાલકો તેમની લડાઈ લડી રહ્યા છે, આદિવાસી વિસ્તારોમાં આદિવાસી લોકો અલગ થી પોતાની લડાઈ લડી રહ્યા છે — તો ગુજરાતમાં ચારેય બાજુ લોકો સરકારના વિરોધમાં પોતાની-પોતાની લડાઈ લડી રહ્યા છે. તો હવે આપણે બધાએ મળી ને એક લડાઈ લડવી પડશે — એક ગુજરાતની લડાઈ લડવી પડશે. અને એ માટે આખા ગુજરાતને એક થવું પડશે. 30 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું અને 30 વર્ષ ભાજપે શાસન કર્યું, ભગવાન શ્રી કૃષ્ણે કહેલું કે સમયનું ચક્ર ફરે છે — તો બસ હવે સમયનું ચક્ર ફરી ગયું છે અને ભાજપના જવાના દિવસો આવી ગયા છે. બાય-બાય ભાજપ.
આ પછી પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ભગવંત માન સાહેબે હજારોની સંખ્યામાં હાજર આદિવાસી સમાજના લોકો સામે પોતાનું ભાષણ આપતાં કહ્યું કે હું ગયા ચુંટણીમાં પણ અહીં ગુજરાતમાં આવ્યો હતો અને હમણાં ચૂંટણી પછી પણ સતત ગુજરાત આવે રહ્યો છું, એટલે હવે થોડીક થોડીક ગુજરાતી સમજવામાં લાગ્યો છું અને ચૈતર ભાઈની ધર્મપત્નીએ જે ચૈતર ભાઈનો પત્ર વાંચ્યો, એમાંથી મેં એ સમજી લીધું છે કે પોલીસે ખોટું કામ કર્યું છે અને પોલીસે સીસીટીવી ફૂટેજ પણ ડિલીટ કરી દીધી છે. આ જલ, જંગલ, જમીન આદિવાસી લોકોની છે, છતાં પણ ભાજપના લોકો જલ પણ વેચી રહ્યા છે, જંગલ પણ વેચી રહ્યા છે, જમીન પણ વેચી રહ્યા છે. હકીકતમાં જો તમે જુઓ તો ખબર પડે કે આ ભાજપના લોકો આખો દેશ વેચી રહ્યા છે. હવે મને એક વાત સમજાઈ ગઈ છે કે જ્યારે એક આદિવાસી માણસ જાગી જાય છે, ત્યારે કોઈ તોફાન કે કોઈ આંધી પણ એને રોકી નથી શકતી. હું ચૈતર ભાઈ વસાવાને કહેવા માંગું છું કે તમે પોતાને કદી એકલા ના સમજવું, અમે તમારા, તમારા પરિવારના અને તમારા સમગ્ર સમાજના સાથમાં હંમેશા ઊભા રહીશું. આ પહેલા પણ એક ખેડૂતની જમીન નષ્ટ કરવામાં આવી હતી, એ કેસમાં પણ ચૈતર વસાવાએ આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો હતો, તો તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. ભાજપવાળા ચૈતર વસાવાને દબાવવા માટે સતત તેમના ઉપર કેસ કરી રહ્યા છે. દિલ્હીમાં પણ અરવિંદ કેજરીવાલજી, સંજય સિંહ, મનીષ સિસોદિયા, સતેન્દ્ર જૈન અને આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ ઉપર ખોટા કેસ મુકવામાં આવ્યા અને આ બધા નેતાઓ મહિના મહિનાઓ સુધી જેલમાં રહીને આવ્યા છે. પણ હું ભાજપના લોકોને કહેવા માગું છું કે તમને જેટલા ખોટા કેસ કરવાના હોય કરી લો, કેમ કે તમારા કાગળ તો ખતમ થઈ જશે, પણ અમારા માણસો ખતમ નહીં થાય.
હવે ગુજરાતના લોકો ચૂપ બેસનારા નથી. 30 વર્ષ પછી જ્યારે જનતા જાગે છે તો 30 વર્ષનો આખો હિસાબ 30 મિનિટમાં લઈ લે છે. 30 વર્ષથી ગુજરાતમાં કોઈ વિરોધ પક્ષ જ નહોતું. કોંગ્રેસ વિરોધ પક્ષ નહોતું કારણ કે તે ભાજપ સાથે મળી ગયેલ છે. પણ હવે ગુજરાતના લોકો પાસે ત્રીજું વિકલ્પ આવ્યું છે, ગુજરાતના લોકો પાસે ત્રીજું બટન આવ્યું છે અને એ બટન છે ઝાડૂં વાળું, અને આ ઝાડૂં સફાઈ કરશે. અમે અરવિંદ કેજરીવાલજી દ્વારા બનાવેલ ઝાડૂંથી ભાજપે ઊભી કરેલી ભ્રષ્ટ વ્યવસ્થાની સફાઈ કરીશું. હું આજે બધા આદિવાસી સમાજના લોકોને કહેવા માગું છું કે આજે જેમ તમે એકજુટ થઈને ઊભા રહેલા છો, એમ જ હંમેશા એકજુટ રહીને ઊભા રહેવું, કેમ કે જ્યારે તમે એકજુટ રહીને ઊભા રહો છો ત્યારે ભાજપની બધી દિવાલો હલવા લાગી જાય છે. અમે આમ આદમી પાર્ટી વાળા કદી ખોટું બોલતા નથી અને ખોટા વચન નથી આપતા, અમે ફક્ત વાત કરીએ છીએ શિક્ષણની, આરોગ્યની, વીજળીની, પાણીની — અમે વાત કરીએ છીએ ભણાવાની, લડાવવાની વાત નથી કરતા. હમણાં પંજાબમાં અમારી સરકારને 3.5 વર્ષ પણ થયા નથી અને અત્યાર સુધીમાં અમે 55,000 લોકોને નવી સરકારી નોકરી આપી દીધી છે અને એમાં અમે ₹1 પણ લાંચ નથી લેતા અને ના તો કોઈ મંત્રી કે અધિકારીની ભલામણ સાંભળીએ છીએ. પણ અહીં ગુજરાતમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં શું થઈ રહ્યું છે? અહીં આદિવાસી સમાજના યુવાનોએ મને કહ્યું કે તેઓ રાત-દિવસ ભણતર કરે છે, સવારે 3 વાગે ઉઠીને ભણવા બેસે છે, જો ખેતરમાં મજૂરી કરવા જાય તો પણ પુસ્તકો લઈને જાય છે. પણ વારંવાર પેપર લીક થઈ જાય છે, જેના કારણે લાખો યુવાઓનાં સપના તૂટી જાય છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે પંજાબમાં અમારી સરકારમાં એક પણ પેપર લીક થયો નથી. અહીં સરકાર જ ફૂટેલી છે, એટલે બધું જ તૂટેલું-ફૂટેલું છે. તમારાં બધાંને મળીને બહુ સારું લાગ્યું કેમ કે તમે ભગવાન બિરસા મુંડાના વંશજ છો અને અમે લોકોએ શહીદ ભગતસિંહના વંશજ છીએ.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ ચૈતરભાઈ વસાવા દ્વારા મોકલાવેલી એક ચિઠ્ઠીને વાંચીને સંભળાવી હતી જેમાં ચૈતરભાઈ વસાવાનો આદિવાસી સમાજ માટે સંદેશ હતો. સૌથી પહેલા વર્ષાબેન વસાવાએ આદિવાસી સમાજના તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો, ત્યારબાદ તેમણે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો સંદેશો જણાવ્યો હતો. આ ચિઠ્ઠીમાં ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા તો હું રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાનો આભાર વ્યક્ત કરું છું. હું મારી જનતાને હવે સંદેશ આપવા માગું છું કે હું એક સરકારી નોકરી કરતો હતો, આ દરમિયાન મેં જોયું કે આદિવાસી સમાજના લોકો સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે, માટે સમાજના લોકોને ન્યાય અપાવવાના હેતુથી મેં મારી નોકરી છોડી. ત્યારબાદ જિલ્લા પંચાયતની સીટ પરથી લોકો માટે કામ કર્યું અને ત્યારબાદ ધારાસભ્ય બન્યા બાદ પણ લોકોએ મને ખૂબ જ સાથ સહકાર આપ્યો. ધારાસભ્ય બન્યા બાદ હું હંમેશા આદિવાસી સમાજના લોકો માટે લડતો રહ્યો છું અને સરકારને મારી આ વાત પસંદ નથી કે હું આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવી રહ્યો છું, માટે તેમણે મને ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલી દીધો છે. હકીકત એ છે કે જે જગ્યા પર મીટિંગ થઈ હતી ત્યાં એવો કોઈ બનાવ બન્યો જ નહોતો, પરંતુ ભાજપના લોકોએ વાર્તા ઉપજાવી છે અને એ મીટિંગના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે.
હું જ્યારે પોલીસ સ્ટેશન ગયો ત્યારે મને ત્રણ કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યો અને મારી ફરિયાદ પણ લેવામાં નહોતી આવી, અને પોલીસ સતત ફોનમાં રહીને મારા વિરુદ્ધ ષડયંત્રમાં પોતાનો ભાગ ભજવી રહી હતી. પોલીસ તંત્ર ભાજપના ઇશારે કામ કરી રહી છે, કારણ કે પોલીસે હપ્તા ઉઘરાવતી હોય છે — એવા ફોટા સાથે મેં તે લોકોને ઉઘાડા પાડ્યા હતા. ભાજપના લોકોએ સરકારી વકીલના કહ્યા પ્રમાણે એક મહિલાને આગળ કરવામાં આવી છે, પરંતુ આ મહિલાને કાંઈ ખબર નથી. હકીકતમાં આ કેસમાં પ્રસાદ સુનભે છે, જે આ કેસને લાંબો કરવા માંગે છે અને તે ભાજપના હિસાબે કામ કરે છે. તો મારી સ્પષ્ટ માગણી છે કે તેમના પર કાર્યવાહી થવી જોઈએ. પોલીસ સ્ટેશનમાં પણ મારા પરિવાર સાથે મને મુલાકાત કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. ક્રાઈમ બ્રાન્ચના લોકો મને ધક્કા મારીને ગાડીમાં બેસાડે છે — એ લોકો પર પણ કાર્યવાહી થવી જોઈએ, કારણ કે તેઓ જનતા દ્વારા ચૂંટાયેલા એક ધારાસભ્યનું અપમાન કરી રહ્યા છે. મારો સવાલ છે કે તમે કોના ઓર્ડર દ્વારા આ કામ કરી રહ્યા છો — તેનો મને જવાબ આપો. હું અગાઉના કેસમાં જ્યાં નિર્દોષ સાબિત થયો હતો, એ કેસમાં મને ફરીથી રજુ કરવામાં આવે છે, તો પોલીસ પર પણ કાર્યવાહી થવી જોઈએ.
ધારાસભ્ય બન્યા બાદ મેં સડકથી લઈને વિધાનસભા સદન સુધી લોકો માટે અવાજ ઉઠાવ્યો છે. હું મારી જનતા માટે અવાજ ઉઠાવું છું — એ ભાજપ સરકારને પસંદ નથી. બચુ ખાબડના બંને દીકરાઓએ 2,500 કરોડ રૂપિયાનો કૌભાંડ કર્યો હતો અને એ લોકો અત્યારે જામીન પર બહાર છે, અને જે વ્યક્તિ — એટલે કે મેં પોતે — આ કૌભાંડને બહાર પાડ્યું હતું, તે આજે જેલમાં છે. તો આ રાજકીય ષડયંત્ર નથી તો શું છે? એક આદિવાસી દીકરો પોતાનાં સમાજને જગાડે છે અને સમાજ માટે અવાજ ઉઠાવે છે — એ ભાજપના નેતાઓને પસંદ નથી, એટલા માટે ખોટી FIR કરીને મને ફસાવવામાં આવ્યો છે. જો મને કે મારા પરિવારને કઈ પણ થશે તો તેની જવાબદારી પોલીસ તંત્રની રહેશે. મારું અને મારા પરિવારનું મનોબળ ક્યારેય તૂટે નહીં એટલા માટે અમે આશા રાખીએ છીએ કે આદિવાસી સમાજ અમારી સાથે ઉભો રહેશે. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન જે પણ મીડિયાના મિત્રોએ તમામ હકીકતની જાણકારી લોકોને સુધી પહોંચાડી છે — તે તમામ મીડિયા મિત્રોનો આભાર. આમ આદમી પાર્ટીના નેતાઓ તથા લોકો હંમેશા મારા અને મારા પરિવારની સાથે ઉભા છે — તે બદલ તેમનો પણ આભાર.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી સમાજના યુવાનો સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, આજની આ જંગી સભામાં મને એક નહીં પરંતુ હજારોની સંખ્યામાં ભવિષ્યના ચૈતર વસાવા દેખાઈ રહ્યા છે. આજે દિલ્હી સુધી એ ડંકો વાગવો જોઈએ અને તમામ લોકોને ખબર પડવી જોઈએ કે આદિવાસી સમાજ અને ચૈતર વસાવાની કેટલી જબરદસ્ત તાકાત છે. ચૈતર વસાવા ભણેલા ગણેલા છે, માટે તેમને ખ્યાલ આવ્યો કે સરકારમાંથી આવતા હજારો કરોડોના આદિવાસી સમાજના ફંડનો દુરુપયોગ થઈ રહ્યો છે. હમણાંનું તાજું ઉદાહરણ છે કે ભાજપના એક મિનિસ્ટરના દીકરાએ કૌભાંડ કરીને આદિવાસી સમાજના 2500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો. માટે જ્યારે ચૈતર વસાવાએ કૌભાંડ વિશે માહિતી મેળવી અને આ કૌભાંડ ખુલ્લો પાડ્યો ત્યારે ભાજપના લોકોએ તેમને લાલચ આપી કે સાથે મળીને પૈસા કમાશું, પરંતુ ચૈતર વસાવા ક્યારેય પણ પોતાના સમાજને દગો આપે તેવા વ્યક્તિ નથી અને તેમણે ભાજપના બધા કૌભાંડોને ખુલ્લા પાડવાનું કામ કર્યું. આજે અમે ડેડીયાપાડામાં આવી રહ્યા હતા ત્યારે અમે જોયું કે ચારે બાજુ રસ્તા ઉપર લોકો ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં છે. આ માહોલ જોઈને ભાજપના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ભાજપના લોકોએ ધારાસભ્ય ચૈતર વસાવાને જેલ ભેગા કર્યા છે, પરંતુ આ જેલની બીક બતાવીને કોઈ આમ આદમી પાર્ટીને કે આદિવાસી સમાજના યુવાનને ડરાવી શકે તેમ નથી. ભગવાન બિરસા મુંડાએ 25 વર્ષની ઉંમરે એવી ક્રાંતિ કરી હતી કે આજે તેઓ સમગ્ર દેશમાં ભગવાન તરીકે પૂજાય છે. ભગવાન બિરસા મુંડાના વંશજો ક્યારેય પણ જેલથી ડરતા નથી.
ભાજપના ઘણા નેતાઓ આદિવાસી સમાજના હશે. તેઓ ક્યારેય આદિવાસી સમાજના માણસો બન્યા નથી, પરંતુ ભાજપના દલાલ બનીને રહી ગયા છે. અરવિંદ કેજરીવાલજી વારંવાર કહી રહ્યા છે કે આપણે ઝડપથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવીશું અને પૈસા એક્ટ લાગુ કરીને આદિવાસી સમાજના ચરણોમાં આપી દઈશું. આદિવાસીનો અર્થ થાય કે મૂળનિવાસી અને મૂળનિવાસીનો અર્થ કે આ જળ, જંગલ અને જમીનના માલિક. તો આ તમામ જળ, જંગલ અને જમીન આદિવાસી સમાજની છે અને આ તમામ સંપત્તિ તેમને પરત કરવાની આ લડાઈ છે. હું આપ તમામ લોકોને ભરોસો આપવા માટે આવ્યો છું કે તમારે કોઈએ જમીનના દાખલા કઢાવવાની જરૂર નથી, કારણ કે 2027માં સરકાર બનાવ્યા બાદ તમને તમારી જમીન સોંપવામાં આવશે. આદિવાસી સમાજ ખૂબ જ ભાગ્યશાળી છે કારણ કે તેમને ચૈતર વસાવા જેવા મજબૂત નેતા મળ્યા. 30 વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યું, પરંતુ તેમણે આદિવાસી સમાજનું કશું ભલું ન કર્યું, 30 વર્ષ સુધી ભાજપે રાજ કર્યું, પરંતુ તેમણે પણ આદિવાસી સમાજનું ભલું ન કર્યું. પરંતુ હું તમને ખાતરી આપવા માંગું છું કે અરવિંદ કેજરીવાલજી અને ચૈતર વસાવા પર તમે વિશ્વાસ કરજો — તો જે છેલ્લા 60 વર્ષમાં આદિવાસી સમાજનું ભલું ન થયું હોય, તેટલું 2027 બાદ ભલું થશે. પરંતુ એ માટે આદિવાસી સમાજના લોકોએ અમને વચન આપવું પડશે કે આવનારા સમયમાં જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, એ દરમિયાન તમે ભાજપના લોકોને તમારા વિસ્તારમાં અને તમારા ઘરમાં ઘૂસવા નહીં દો. અને જો તમે તમામ લોકો ચૈતર વસાવા સાથે જે પણ થઈ રહ્યું છે તેનો બદલો લેવા માંગતા હોય, તો તાલુકા પંચાયતની તમામ ચૂંટણીમાં તમામ સીટો પર ભાજપની ડિપોઝિટ જપ્ત થવી જોઈએ.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી સમાજના લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, આજે આપણે અહીંયા ચૈતર વસાવાના સમર્થનમાં એકઠા થવાની ફરજ પડી છે. જે ચૈતર વસાવાએ આખા ગુજરાતના યુવાનોને હિંમત આપવાનું કામ કર્યું, જે ચૈતરએ સડકથી લઈને વિધાનસભા સદન સુધી યુવાનો માટે, ગરીબો માટે, મધ્યમ વર્ગના લોકો માટે અવાજ થવાનું કામ કર્યું, જે ચૈતર વસાવાએ ગામડે ગામડે યુવાનોની ફોજ બનાવી — પરંતુ ભાજપની સરકાર વારંવાર ખોટા કેસો કરીને ચૈતર વસાવાને જેલમાં મોકલી દે છે. કારણ કે ભાજપને ખટકે છે કે એક નાનો એવો સામાન્ય પરિવારનો આદિવાસી યુવાન ધારાસભ્ય કેવી રીતે બની ગયો. વર્ષોથી ભાજપે એ રીતે સરકાર ચલાવી કે જે ગુંડા હોય એ ધારાસભ્ય બની શકે, લફંગો હોય એ ધારાસભ્ય બની શકે, બે નંબરનું કામ કરનારા ધારાસભ્ય બને — પરંતુ ગુજરાતના ઇતિહાસમાં અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં પહેલીવાર આમ આદમી પાર્ટી દ્વારા મારા અને ચૈતર જેવા સામાન્ય ઘરના લોકો ધારાસભ્ય બનવા લાગ્યા. મુદ્દો એ નથી કે ચૈતર વસાવાએ ગ્લાસ માર્યો કે નહીં, પરંતુ હકીકતમાં ચૈતર વસાવાએ એક તીર માર્યું છે, જે ભાજપ સરકારના છાતીમાં ઘૂસી ગયું છે. ચૈતર વસાવાએ આદિવાસી યુવાનોને જગાડવાનું કામ કર્યું એટલાં માટે તેમને ફરી એક વાર જેલમાં મોકલવામાં આવ્યા. ભાજપના આઠ પાસ નેતાઓને હું કહેવા માગીશ કે જે નેતાઓ યુવાનોના દિલમાં રહેતા હોય, એમને જેલમાં મોકલવાથી એમનું કશું બગડતું નથી. ચૈતરની લોકપ્રિયતા એટલી છે કે હું જુનાગઢમાં ચૂંટણી લડી રહ્યો હતો ત્યાં પણ લોકો અમને પૂછતા હતા કે ચૈતર વસાવા પ્રચારમાં ક્યારે આવશે.
ચૈતર વસાવા ફક્ત આદિવાસી સમાજના નહીં પરંતુ હવે ગુજરાતના દરેક સમાજમાં ચૈતર વસાવાનું સન્માન કરવામાં આવે છે અને આ વાત ભાજપને ખટકી રહી છે. ચૈતર વસાવા ડેડીયાપાડામાં ધારાસભ્ય છે પરંતુ એમની લોકપ્રિયતા સૌરાષ્ટ્ર, કચ્છ-ભુજ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત — બધી જગ્યાએ ફેલાઈ છે. આ વાત ભાજપે સહન કરી શકતી નથી. કારણ કે ભાજપના નેતાઓ સાંસદ પણ બની જાય તો પણ તેમને પોતાના વિસ્તારના લોકો ઓળખતા નથી અને કોઈ બોલાવતું પણ નથી. તાલુકા પંચાયતની મિટીંગમાં આ સમગ્ર ઘટનાની શરૂઆત થઈ — તો હવે હું તમામ તાલુકા પંચાયતોમાં આદિવાસી યુવાનોને વિનંતી કરીશ કે હવે બધી તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીના લોકોને જીતાડો, જેથી બીજી કોઈ તાલુકા પંચાયતની મિટીંગમાં આમ આદમી પાર્ટી સિવાય બીજા કોઈ પાર્ટીના સભ્યો રહે જ નહીં. હું વિનંતી કરું છું કે નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ સહિત તમામ જિલ્લાઓની તમામ તાલુકા પંચાયતોમાં અને જિલ્લાપંચાયતોમાં આમ આદમી પાર્ટીના ઈમાનદાર લોકોને સભ્ય બનાવો અને આ ચોર લૂંટારાઓને ઘેર બેસાડો. એક ધારાસભ્ય બન્યા પછી ઘણા લોકો નાના મોટાં કામ કરતા હોય છે, પરંતુ સૌથી મોટું કામ એ હોય છે જે પોતાનાં સમાજને બળ આપે, હિંમત આપે અને આગળ વધારવા માટે કામ કરે — અને એ જ કામ ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી બતાવ્યું છે.
આમ આદમી પાર્ટી ગુજરાત