વિશ્વની બઘી ભાષા આપણે વાંચીશું, સાંભળીશું પણ આપણું હદય તો માતૃભાષાથી જોડાશે, તેવું આજરોજ ગાંધીનગર ખાતે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા યોજાયેલ ’અમે ગુજરાતી’ અસ્મિતા મિલન કાર્યક્રમમાં તત્વચિંતક અને લેખક સુભાષ ભટ્ટે જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ખાતે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા ’અમે ગુજરાતી’ અસ્મિતા મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત જાણીતા તત્વચિંતક અને લેખક સુભાષ ભટ્ટે જણાવ્યું હતું કે, જેમ ચિકુ આંબો ન થાય, લીમડો કયારે આંબો ન થાય, પરંતુ માણસમાં જ આ પરિવર્તન જોવા મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, બુઘ્ઘિ અને હદય એક ચશ્મા છે, જો આપ બુઘ્ઘિના ચશ્મા પહેરશો તો અંગ્રેજીને પસંદ કરશો અને હદયના ચશ્મા પહેરશો તો આપ માતૃભાષા ગુજરાતીને પસંદ કરશો, આવું કેમ થાય તેની દષ્ટાંત પૂર્વક વાત કરી હતી. વિશ્વમાં એક અંદાજ પ્રમાણે ૭ હજાર જેટલી ભાષા છે, દરેક ભાષાનું આગવું મહત્વ છે, તે કોઇ ચોક્કસ સમુદાયની માતૃભાષા છે. જેથી આપણે માતૃભાષાનું સન્માન કરીએ છીએ, તેવી રીતે તમામ ભાષાનું સન્માન આપણે કરવું જોઇએ. એટલે જ ભગવત ગીતા ૫૯ ભાષામાં ભાષાંતર થઇ છે.
યુગ શાસકનો ન હોય, પણ યુગ સર્જકનો હોય તેવી દષ્ટાંતપૂર્વક વાત કરીને તેમણે ઉમેર્યું હતું કે, વ્યક્તિ પોતાનો સાચો ભાવ માતૃભાષામાં જ પ્રગટ કરી શકે છે. આપણે સૌએ હું ગુજરાતમાં છું ત્યાં સુઘી ગુજરાતી શાશ્વત છે, તેવો ભાવ પેદા થવો ખૂબ જરૂરી છે. તેમણે અહંકારથી માતૃભાષાને પ્રદૂષિત ન કરવાની વાત પર પણ ખાસ ભાર મુક્યો હતો.
માણસ જે ભાષામાં મન મૂકીને રૂદન કરી શકે છે, સારા સ્વપ્ન જોઇ શકે છે, પોતાની લાગણી- ઉત્સાહનો ભાવ સજ્જતાથી પ્રગટ કરી શકે છે, તે ભાષા તેની માતૃભાષા છે, તેવું કહી વલ્લભ વિઘાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ર્ડા. નિરંજન પટેલે ઉમેર્યું હતું કે, માતૃભાષાનું ગૌરવ નવો વિષય નથી. પરંતુ માતૃભાષાનું ગૌરવ થતું નથી, તે આપણા બજારામાં લેખલું લાઇવ ઢોકળા અને લગ્ન કે અન્ય આમંત્રણ પત્રિકામાં લખેલું ડીનર અને લન્ચ ટાઇમ પરથી જોઇ શકાય છે. તેમણે જણાવ્યું હતું કે, પી.એચડી કરતાં વિઘાર્થીઓની ભાષાની જોડણી ખોટી હોય છે, તે વાત ખુબ આપણા સૌ માટે દુ:ખની છે. માતૃભાષાની સજ્જતા વઘારવાનું કામ સુચારું રીતે એક શિક્ષક અને માતા જ કરી શકે છે.
અંગ્રેજી ભાષાની ઘેલછા એ ઇંગ્લેન્ડમાં જઇ ને આંબો વાવવા બરાબર છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, જેવી ભાષા આપણે ભણીએ છીએ, તેવા વિચાર આપણને આવે છે. માતૃભાષા સાથે અન્ય ભાષાનું જ્ઞાન જરૂરી છે, પણ જેટલું મહત્વ ઘર્મનું છે, તેટલું મહત્વ માતૃભાષાનું હોવું જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, એક બોમ્બ ઝીંકયા વગર દેશનો વિનાશ કરવા ભાષા, સંસ્કૃતિ- ઘર્મથી અલગ તેના દેશવાસીઓને કરવા જોઇએ.
પ્રતિષ્ઢાનના અઘ્યક્ષ ભાગ્યેશ જહાએ જણાવ્યું હતું કે, માતૃભાષા પોતાના અસિતત્વની ત્વચા છે. ગુજરાતી ભાાષાનું વસિયત કરાવી પડે તેવી સ્થિતિ બાજુ જઇ રહી છે, તેને રોકવા શું કરવું જોઇએ તેની વિસ્તૃત વાત કરી હતી. એટલા જ માટે અસ્મિતા જેવા કાર્યક્રમોની જરૂર છે. હાલના સમયમાં આપણે સ્માર્ટ ફોન, સ્માર્ટ બોયમાં આપણને રસ છે, પણ સારા માણસ બનાવવામાં માટે માતૃભાષા જ જરૂરી છે.
આ પ્રસંગે પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ હર્ષદ શાહે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના વિવિઘ કાર્યક્રમોની રૂપરેખા અને આ ટ્રસ્ટના નિર્માણ પાછળના ઉમદા આશયથી વાત કરી હતી. ટ્રસ્ટી કિશોર જિકાદરાએ તમામ ટ્રસ્ટીઓની વિસ્તૃત પરિચય આપ્યો હતો. કાર્યક્રમના આરંભે પ્રતિષ્ઠાનના શ્રી નારાયણ મેઘાણીએ મહાનુભાવો સહિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ’ ભાષા મારી ગુજરાતી’ ત્રિમાસિક મુખપત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રતિષ્ઠાનના મંત્રી લાભશંકરભાઇ જોશી, સહમંત્રી ર્ડા. જય ઓઝા, સ્વાતિબા રાઓલ, ટ્રસ્ટ્રી પ્રવિણ વઘાસિયા, ર્ડા. પ્રવીણ વાટલિયા અને ર્ડા. દીપક પંડ્યા, ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ પુલક ત્રિવેદી, લેખક કેશુભાઇ દેસાઇ, પ્રકાશ લાલા, મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જસવંતભાઇ પટેલ સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
બ્રહ્માકુમારી દ્વારા મહાશિવરાત્રી નિમિતે રેલીનું કરાયું આયોજન