અંદાજે રૂ. ૧૭ લાખની કિંમતની ડુપ્લિકેટ-સ્પુરીયસ એલોપેથીક દવાઓ જપ્ત કરતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

—–
—–
રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે, જે અંતર્ગત આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ વેચતાં ઇસમોના ઘરે અને મેડિકલ એજન્સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંદાજે રૂ. ૧૭ લાખની કિંમતની ડુપ્લિકેટ-સ્પુરીયસ એલોપેથીક દવાઓ જપ્ત કરવામાં આવી હતી તેમજ ૨૦ દવાના નમુનાઓ લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા.
આ અંગે વિગતો આપતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશીયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં તંત્રના આઇ.બી. ફ્લાઇન્ગ સ્ક્વોડને મળેલી માહિતી મુજબ અમદાવાદ ખાતે રહેતા અરૂણસિંહ અમેરા – ૨૦, રાજનગર સોસાયટી, વટવાના રહેઠાણ પર આઇ.બી.ની ટીમે વહેલી સવારે દરોડો પાડતાં ખુબ મોટા પ્રમાણમાં સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાઓનો જથ્થો પકડી પડ્યો હતો.
આ ઉપરાંત નિલેશ હરીલાલ ઠક્કર – બી-૭, ચુનીલાલ પાર્ક, સીટીએમ ચાર રસ્તા પાસે, અમરાઈવાડી, અમદાવાદ વટવા, અમદાવાદ ખાતેથી રૂ. ૧૨ લાખની કિંમતનો સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાનો જથ્થો તેમજ પાર્થ જગદીશભાઈ જોષીની મે. પારસ કેમિસ્ટ, દુકાન નં- ૫, પ્રથમ માળ, કાંતા એસ્ટેટ, ધાર્મિક એપાર્ટમેન્ટની સામે, ચાંમુડાનગર નજીક, બાપુનગર, અમદાવાદ ખાતેથી સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાઓ પકડી પાડવામાં આવી હતી.
વધુમાં કમિશનર ડૉ. એચ. જી. કોશીયાએ ઉમેર્યું કે, વડોદરા ખાતે ઓલકેર મેડિસિન્સના માલિક કિરણ ઠક્કરની દુકાનમાંથી વડોદરાની ટીમ દ્વારા ૧૧૫ સ્ટ્રીપ દવાઓ, સુરત ખાતે શીવાય મેડીકો, કતારગામના માલિક પ્રજાપતિ ગૌરવ બાબુલાલને ત્યાંથી ૧૩૬ ડુપ્લિકેટ દવાઓની સ્ટ્રીપ તેમજ રાજકોટ ખાતે મે. નિર્મલ મેડિકલ એજન્સી, મોટી ટાંકી ચોક, રાજકોટની પેઢીના માલિક જીગ્નેશ વઘાસીયાને ત્યાંથી ૩૨ ડુપ્લિકેટ દવાઓની સ્ટ્રીપ પકડવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ શહેરની અન્ય જગ્યાઓ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતેથી વેચાણ થયેલ જગ્યાઓએ પણ દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું કે, એફડીસીએ તંત્ર દ્વારા ટોરેન્ટ ફાર્માની લીડીંગ પ્રોડક્ટ કાયમોરલ ફોર્ટ, ગ્લેક્સો કંપનીની ઓગમેન્ટીન, ઇપ્કા કંપનીની ઝેરોડોલ એસપી, બાયોસ્વીફ્ટ કંપનીની સીફીક્ઝેમ, પ્રીવોક્સો કંપનીની ડાયક્લો પેરા અન્ય રાજ્યોમાંથી આવતી સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાઓ પકડી પાડવામાં આવી હતી, આ દવાઓમાં પ્રાથમિક દ્રષ્ટીએ ચોકનો પાવડર હોવાનું તેમજ વગર બીલે ૫૦ ટકા ભાવમાં અન્ય રાજ્યમાંથી રોકડેથી ખરીદ કરી માર્કેટમાં વેચતાં હોવાનું માલૂમ પડ્યું હતું, જેની વધુ તપાસ ચાલી રહી છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તાજેતરમાં સુરત ખાતે ઓનલાઇન મીસો પર વેચાણ કરતી નકલી બનાવટી કોસ્મેટિક ઉત્પાદન કરતી પેઢી દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ ખાતે સન ફાર્માની ડુપ્લિકેટ લેવીપીલ ૫૦૦ ટેબલેટનું વેચાણ પણ અગાઉ પકડી પડ્યું હતું. આમ, વિવિધ પેઢીઓ પર પાડેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા ઇસમોમાં ફફડાટ ફેલાઇ રહ્યો છે.