ગુજરાત કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે,જેમાં તેઓએ ગુજરાત પ્રદેશ પ્રમુખ સહિતના માળખાની જલ્દી જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરી છે,કારણ કે આગામી દિવસોમાં મોટા પાયે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે, જેમાં સાંગઠનિક દૃષ્ટિએ કોંગ્રેસ સારો દેખાવ કરી શકે, જવાબદારીઓ નક્કી થઇ શકે, કારણ કે 2026માં થનારી ચૂંટણીઓ 2027નો પાયો નાખશે,, જાણીએ ગ્યાસુદ્દીન શેખે પોતાના પત્રમાં શુ લખ્યુ છે,
ગ્યાસુદ્દીન શેખ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સીનીયર આગેવાન
પૂર્વ ધારાસભ્ય
મો.: ૯૮૨૪૦૭૯૮૪૮
૧) શ્રી મલ્લિકાર્જુન ખડગેજી
સાંસદશ્રી
રાષ્ટ્રીય અધ્યક્ષ-ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી
નવી દિલ્હી-110 001.
૨) શ્રી રાહુલ ગાંધીજી
સાંસદશ્રી લોકસભા વિપક્ષના નેતા નવી દિલ્હી – 110 001.
તારીખ ૯-૭-૨૦૨૫
આદરણીય શ્રી મલ્લિકાર્જુન ખડગેજી/આદરણીય શ્રી રાહુલ ગાંધીજી,
ગુજરાત પ્રદેશ પ્રમુખ, ગુજરાત વિધાનસભા પક્ષના નેતા, AICC ના પદાધિકારીઓ, CWC સભ્યો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનની જાહેરાત એક જ સમયે ઝડપથી કરવામાં આવે તેવી નમ્ર વિનંતી છે.
ડિસેમ્બર ૨૦૨૫માં ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, આ નિર્ણય વહેલી તકે લેવાય તે અનિવાર્ય છે.
શ્રી રાહુલગાંધીજી ના ગુજરાત પ્રવાસ દરમિયાન, તેમને મળેલી વિશ્વસનીય માહિતી અને અહેવાલોના આધારે, રાહુલજીએ એક જાહેર મંચ પરથી પોતાના સંબોધનમાં ભાજપ સરકાર માટે સ્લીપર સેલ તરીકે કામ કરતા “લંગડા ઘોડા તેમજ લગ્નના ઘોડા” નેતાઓને સાઈડલાઈન કરી કોંગ્રેસના વફાદાર “રેસના થોડા”ને નેતૃત્વ સોંપવાના આહ્વાન બાદ વફાદાર કોંગ્રેસ કાર્યકરોને સંગઠનમાં યોગ્ય સ્થાન મળશે એવો મજબૂત આશાવાદ ઉભો થયો છે.
આજીવન કોંગ્રેસને સમર્પિત વફાદાર નેતાઓને નેતૃત્વ સોંપી ભાજપ સરકાર સાથે સ્લીપર સેલ તરીકે કામ કરતા નેતાઓને કુનેહપૂર્વક બાજુ પર મૂકવાથી ગુજરાતની જનતાને સ્પષ્ટ સંદેશ જશે કે કોંગ્રેસ હવે ઈમાનદાર નેતૃત્વ સાથે નવા સ્વરૂપમાં પૂર્ણ જોમ – જુસ્સા સાથે ઉભરી રહી છે.
માનનીય કોંગ્રેસ અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે જી અને શ્રી રાહુલ ગાંધી જી દ્વારા દિલ્હીમાં નવા સંગઠનની રચના કુશળતાપૂર્વક લાગુ કરી શકાય તે માટે, અમારી આગ્રહભરી વિનંતી તેમજ નમ્ર સૂચન છે કે આજીવન કોગ્રેસ સમર્પિત અને વફાદાર વરિષ્ઠ નેતાઓ સાથે સઘન ચર્ચા વિચારણા કરવા AICCના વરિષ્ઠ મહામંત્રી શ્રી મુકુલ વાસનિકજી, ચારેય AICC ઝોનલ ઇન્ચાર્જ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી, ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત વિધાનસભા પક્ષના નેતા શ્રી અમિત ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં સંયુક્ત બેઠક યોજી સર્વસંમતિથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતાના પદ સહિત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનની પુનર્રચના માટે ત્વરિત નિર્ણય લેવામાં આવે.
કોંગ્રેસ એક લોકતાંત્રિક પક્ષ છે. સર્વસંમતિથી સહુને સ્વીકાર્ય નિમણૂક દ્વારા પક્ષને જૂથવાદથી મુક્તિ મળશે. કોગ્રેસ પક્ષના સમાનતા, યોગ્યતા અને એકતાના મૂળભૂત સિદ્ધાંતોને અનુરૂપ, કોગ્રેસની વિચારધારા અનુસાર સર્વ ધર્મ જાતિના લોકોને સાથે લઈ પક્ષને એકજુટ કરી મજબૂત કરવા સક્ષમ આગેવાનોને નેતૃત્વ સોંપી સતત ત્રણ દાયકાથી કોંગ્રેસ પક્ષને વફાદાર લાખો કાર્યકર્તાઓ અને ગુજરાતની ૬.૫ કરોડ જનતાના હિતમાં કોગ્રેસ પક્ષ દ્વારા ઠોસ નિર્ણય કર્યાનો સ્પષ્ટ સંદેશ આપી શકાશે.
સક્ષમ નેતાઓનો સમાવેશઃ
સંગઠન સૂર્જન અભિયાન અંતર્ગત, AICC અને પ્રદેશના નિરીક્ષકો દ્વારા સ્થાનિક જિલ્લા અને શહેર કક્ષાએ જવાબદાર નેતાઓ અને કાર્યકરોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ, શહેર અને જિલ્લાના હોદ્દાઓ માટે સમર્પિત કોંગ્રેસ નેતાઓની પેનલ (ત્રણ કે તેથી વધુ નામોની) તૈયાર કરવામાં આવી હતી, જેમાં વિવિધ સમુદાયોના ૧૦૦થી વધુ નેતાઓની યાદી બનાવી AICCને સુપરત કરવામાં આવી હતી.
AICC દ્વારા યાદીની સઘન સમીક્ષા બાદ, ૪૧ સક્ષમ શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. AICC તથા પ્રદેશ નિરીક્ષકો દ્વારા જીલ્લા અને શહેર પ્રમુખ ની નિમણૂક માટે સૂચવેલ ૧૦૦થી વધુ નામોમાંથી બાકી રહેતા સક્ષમ નેતાઓની ઓળખ કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા માળખામાં સમાવવાથી વિવિધ સમુદાયોના નેતાઓને તમામ શહેર અને જિલ્લાઓને સમાંતર સક્ષમ પ્રતિનિધિત્વ સોંપી ગુજરાત પ્રદેશ કોગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવી શકાશે.
આભાર સહ.
ગ્યાસુદ્દીન શેખ
પૂર્વ ધારાસભ્ય