વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે, ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત ‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ’નો પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ, રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ:-
દેશના આર્થિક વિકાસમાં સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપનું પણ મહત્ત્વનું યોગદાન
સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ક્ષેત્રમાં સરકાર તમામ પ્રકારનો સહયોગ આપવા કટિબદ્ધ
ગુજરાત સેમિકન્ડક્ટર ચિપનું હબ બનશે
સ્કીલ, ટેલેન્ટ અને ટીમ સ્પિરિટ દ્વારા યુવાનોને ન્યૂ ઇન્ડિયાના વડાપ્રધાન શ્રીના સ્વપ્નને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રીનો અનુરોધ
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી:-
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લાં ૨૦ વર્ષમાં પારદર્શક નીતિઓ અને સુદૃઢ પોલિસીઓ દ્વારા ગુજરાતે વિકાસ ક્ષેત્રે અનેરી ઊંચાઈઓ હાંસલ કરી છે.
વિશ્વમાં સૌ પ્રથમ વાર સતત એક મહિના સુધી ૧૭૫ શૈક્ષણિક સંસ્થાઓમાં રિસર્ચ, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ અંગેના સુચારુ કાર્યક્રમોને આવરી લેનારો આ અનોખો ફેસ્ટિવલ
17 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી 175 શૈક્ષણિક સંસ્થાઓમાં ઊજવાશે ‘સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ, રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ’
SSIP(સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલીસી), MYSY(મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના), SHODH(સ્કીમ ઓફ ડેવલપિંગ હાઇ ક્વોલીટી રિસર્ચ) અંતર્ગત યુનિવર્સિટીઓ/સંસ્થાઓ, લાભાર્થીઓ અને સંશોધનકર્તાઓને સહાય/ગ્રાન્ટ અર્પણ કરવામાં આવી
GARIMA(ગુજરાત એક્રેડિટેશન એન્ડ રેન્કિંગ ઇન્સ્ટિટયૂટ મિકેનિઝમ એન્ડ એરેન્જમેન્ટ)ના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું તેમજ રાષ્ટ્રીય શિક્ષણનીતિ (NEP)ના અમલીકરણના પ્રથમ બે વર્ષના કમ્પેડિયમનું વિમોચન કરાયું
MAGIC Connect અંતર્ગત સ્ટાર્ટઅપને વધુ મજબૂત કરવાના હેતુથી દસ એમઓયુ એક્સચેન્જ કરાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના આર્થિક વિકાસમાં સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપનું પણ મહત્ત્વનું યોગદાન છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં સરકાર તમામ પ્રકારનો સહયોગ આપવા કટિબદ્ધ છે.
અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ‘સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ’નું ઉદધાટન કરવામાં આવ્યું હતું. 17 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન 175 શૈક્ષણિક સંસ્થાઓમાં યોજાનારા ‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ’નો મુખ્ય હેતુ રિસર્ચ અને ઈનોવેશન ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરે અને આત્મનિર્ભર ભારત માટે યુવાનોનું સશક્તિકરણ કરવાનો છે.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું કે, જનપ્રિય જનનાયક, યુવા શક્તિના પ્રેરણાસ્રોત અને ગ્લોબલ લીડર એવા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલનો શુભારંભ થયો છે. આજનો આ દિવસ આપણા સો માટે એક ઐતિહાસિક અને યાગદાર દિવસ પણ બન્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, ઇનોવેશન ક્ષેત્રમાં એવી ફેસિલિટી સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે જેના કારણે સામાન્યમાં સામાન્ય સ્ટુડન્ટ્સને તેના વિચારને ગ્લોબલ માર્કેટ સુધી લઈ જવામાં મદદ મળી રહી છે. નરેન્દ્રભાઈ મોદીનું જ સ્વપ્ન છે કે વિદ્યાર્થીને એક ગ્લોબલ માર્કેટ મળે જેના કારણે તે દેશની વિકાસ યાત્રામાં ભાગીદાર બને અને એ આજે સાર્થક થઈ રહ્યું છે, એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું
સ્ટાર્ટઅપ ક્ષેત્રની વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દેશના આર્થિક વિકાસમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપનું પણ ઘણું મહત્ત્વ છે. આજે સામાન્યમાં સામાન્ય સ્ટુડન્ટ્સને કોઈપણ પ્રકારની નાણાકીય અગવડ હોય તો સરકાર તેને મદદ કરે છે અને તેને માર્કેટ સુધી લઈ જવામાં સહકાર પણ આપે છે, જેના કારણે જ ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં સતત ત્રણ વર્ષથી પ્રથમ ક્રમે આવી રહ્યું છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતે તાજેતરમાં સેમિકંડકટર પોલિસીની જાહેરાત કરી છે. આવનાર સમયમાં ગુજરાત ગુજરાત સેમિકન્ડક્ટર ચિપનું હબ બનવાનું છે. સેમિકન્ડક્ટર બનાવતી કંપનીઓ સાથે એમઓયુ પણ થઈ ચૂક્યા છે. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને કારણે ગુજરાતના 1 લાખ યુવાનોને રોજગારી મળશે, એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં મુખ્યમંત્રી એ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યંગ ઇન્ડિયાના સહયોગથી ન્યૂ ઇન્ડિયાના નિર્માણનું સપનું સેવ્યું છે. યુવાનો સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને રિસર્ચ ક્ષેત્રે આગળ વધીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે.
મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને અનુરોધ કર્યો હતો કે તેઓ પોતાની સ્કીલ, ટેલેન્ટ અને ટીમ સ્પિરિટ દ્વારા ન્યૂ ઇન્ડિયાના વડાપ્રધાન શ્રીના સ્વપ્નને સાકાર કરવા પ્રયાસરત બને.
રાજયના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, દુનિયાના સૌથી વધુ લોકપ્રિય અને શક્તિશાળી નેતા અને આપણા દૂરંદેશી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશાં પોતાના જન્મદિવસને જનતાની સેવાનાં કર્યો કરીને, પ્રજાની સાથે રહીને જ ઊજવ્યો છે. તેમનામાંથી પ્રેરણા લઈને રાજ્યનો શિક્ષણ વિભાગ પણ આજે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત આ અનોખો ફેસ્ટિવલની આજના શુભ દિવસે શરૂઆત કરવા જઈ રહ્યો છે, જેનું નામ છે ‘સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ, રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ’.
વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ રાજ્યના
ઊર્જાવાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે રાજ્યના વિકાસની ગતિ તેજ બની છે. આજે ડબલ એન્જિન સરકાર દરેક ક્ષેત્રે નાના હોય કે મોટા તમામ પ્રકારના પ્રજાલક્ષી નિર્ણયો લઈને વિવિધ લોકોપયોગી યોજનાઓ સાથે જનસુખાકારી માટે પ્રયત્નશીલ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લાં ૨૦ વર્ષમાં પારદર્શક નીતિઓ અને સુદૃઢ પોલિસીઓ દ્વારા ગુજરાતે વિકાસ ક્ષેત્રે અનેરી ઊંચાઈ હાંસલ કરી છે. છેલ્લાં 20 વર્ષમાં રાજ્ય સરકારે ખરા અર્થમાં વિશ્વાસથી વિકાસના સૂત્રને સાર્થક કર્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
તેઓ મુખ્યમંત્રી હતા ત્યારથી જ રિસર્ચ અને ઇનોવેશન પર ભાર મૂક્યો હતો. જેના લીધે આજે રાજ્ય સરકારે ‘માઇન્ડ ટુ માર્કેટ ‘ સૂત્ર સાથે યુવાઓના આઈડિયા અને સ્ટાર્ટઅપને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા SSIP(સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલીસી) 2.0 લોન્ચ કરી છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિ-૨૦૨૦ને અનુરૂપ આગામી પાંચ વર્ષ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી (SSIP) 2.0નું રૂ.૫૦૦.૦૦ કરોડની જોગવાઈ સાથે લોંચીંગ કરવામાં આવશે. આ પોલીસીનો મુખ્ય હેતુ દેશના યુવાધનનો આત્મવિશ્વાસ વધારીને તેઓના સંશોધનો અને વિચારબીજને આર્થિક અને અન્ય સહાયો દ્વારા યોગ્ય દિશા અને માધ્યમ પૂરું પાડવાનો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જુલાઇ ૨૦૨૨માં જાહેર થયેલ સ્ટાર્ટ-અપ રેન્કિંગમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. આ સિદ્ધિ સળંગ ત્રીજા વર્ષે ગુજરાતે મેળવી છે, એ ગૌરવની વાત છે. વિદ્યાર્થીઓના આઈડિયાઝને પ્રોડક્ટમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી તમામ સુવિધા એક જ છત નીચે મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા i-Hub(ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન હબ)ની સ્થાપના કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, વિશ્વમાં સૌ પ્રથમ વાર સતત એક મહિના સુધી ૧૭૫ શૈક્ષણિક સંસ્થાઓમાં રિસર્ચ, ઇનોવેશન અને સ્ટાર્ટ અપ અંગેના સુચારુ કાર્યક્રમોને આવરી લેનારો આ એક અનોખો ફેસ્ટિવલ છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી (SSIP) ખાલી ભણી રહેલા વિદ્યાર્થીઓ પૂરતી મર્યાદિત નથી. આ પોલીસી હેઠળ 35 વર્ષ સુધીના તમામ યુવાનોને પોતાના આઇડિયાને ડેવલપ કરીને માર્કેટ સુધી લઈ જવા માટે અલગ અલગ સ્તરના કર્યો માટે કુલ ₹ 2.5 લાખ સુધીની સહાય આપવામાં આવશે. ડબલ એન્જિન સરકાર હંમેશા સ્ટાર્ટ અપ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નશીલ રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ડબલ એન્જિન સરકારના શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ પ્રયત્નો અને સુદૃઢ પોલિસીઓના લીધે આજે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સફળતાની નવી ઉંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે.
આ પ્રસંગે શિક્ષણ અગ્રસચિવ એસ.જે.હૈદરે જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં આજે આ ‘સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ, રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ’ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતમાં નવી શિક્ષણનીતિ અનુસાર રાજ્યના વિદ્યાર્થીઓને મૂલ્ય આધારિત પાયાનું શિક્ષણ મળી રહે, તેમનો સર્વાંગી વિકાસ થાય તથા યુવાઓના વિચારો, શોધો અને આઇડિયાને જરૂરી પીઠબળ મળે તે હેતુથી રાજ્યમાં સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ અને ઇનોવેશન પોલીસી લોન્ચ કરવામાં આવી છે. આજથી શરૂ થઈ રહેલા આ મહા વિદ્યાઉત્સવનો હેતુ આ પોલીસી વિશે વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપને માહિતગાર કરીને તેઓ આ પોલીસીનો વધુને વધુ લાભ મેળવે તે સુનિશ્ચિત કરવાનો છે. વિવિધ પ્રકારની સહાયો અને શિષ્યવૃત્તિઓ દ્વારા યુવાઓ અને વિદ્યાર્થીઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરી પાડવા રાજ્યસરકાર સંપૂર્ણપણે પ્રયત્નશીલ છે.
આ પ્રસંગે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP-2.0) અંતર્ગત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગુજરાત એક્રેડીટેશન એન્ડ રેકીંગ ઈન્સ્ટિટ્યુટ મિકેનીઝમ એન્ડ એરેન્જમેન્ટ – ગરિમા (GARIMA)ના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) ના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સ્કીમ ઓફ ડેવલપીંગ હાઈ ક્વોલીટી રીસર્ચ (SHODH) અંતર્ગત સંશોધનકર્તાઓને સહાય વિતરણ કરવામાં આવી હતી . આ પ્રસંગે રાષ્ટ્રીય શિક્ષણનીતિ (NEP)ના અમલીકરણના પ્રથમ બે વર્ષના કમ્પેડિયમનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ 15 વુમન સ્ટાર્ટ અપને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમની સાથે સાથે સ્ટુડન્ટ ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ ઇન્ડેક્સ (SISI)નું લૉન્ચિંગ કરવામાં આવ્યું. SSIP 2.0ની ગુજરાતી આવૃત્તિનું વિમોચન પણ મહાનુભાવોના હસ્તે કરાયું હતું.
MAGIC (Market, Academia, Government, Industry, Community) Connect અંતર્ગત સ્ટાર્ટઅપને વધુ મજબૂત કરવાના હેતુથી વિવિધ સરકારી વિભાગો,શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગ ગૃહો/ઔધોગિક સંસ્થાઓ વચ્ચે દસ એમઓયુ એક્સચેન્જ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર, ઉચ્ચ શિક્ષણ સચિવ એમ. નાગરાજન, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચિવ વિનોદ રાવ, વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર, સંશોધનકર્તાઓ, પ્રોફેસરો તેમજ શિક્ષણ, રિસર્ચ તેમજ ઇનોવેશન જગત સાથે સંકળાયેલા લોકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓહાજર રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે શોધ(SHODH) યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૯ થી આજદિન સુધીમાં કુલ ૧૭૪૬ વિદ્યાર્થીઓને કુલ રૂ.૪૨.૬૯ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) હેઠળ વર્ષ ૨૦૧૫-૧૬ થી આજ દિન સુધીમાં કુલ ૩,૪૩,૯૫૫ વિદ્યાર્થીઓને રૂ.૧૪૭૦.૦૪ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. – વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ ૬૫,૨૩૯ વિદ્યાર્થીઓને કુલ રૂ.૨૯૮.૯૮ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.