વડાપ્રધાનશ્રીએ અમદાવાદમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા
‘સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્ફ્લેવ’નું ઉદ્ઘાટન કર્યું
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય સાયન્સ અને ટેકનોલોજી મંત્રી શ્રી જીતેન્દ્રસિંહ તથા દેશના રાજ્યો–કેન્દ્રશાસિત પ્રદેશોના સાયન્સ ટેકનોલોજી મંત્રીશ્રીઓ-સચિવો સહભાગી થયા
..
વડાપ્રધાન:
નું નિવેદન
“21મી સદીના ભારતના વિકાસમાં વિજ્ઞાન એ ઊર્જા સમાન છે, જે દરેક ક્ષેત્ર અને રાજ્યના વિકાસને વેગ આપવાની શક્તિ ધરાવે છે”
“ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફની કૂચમાં ભારતના વિજ્ઞાન અને આ ક્ષેત્ર સાથે સંબંધિત લોકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે”
“નવું ભારત જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન તેમજ જય અનુસંધાન સાથે આગળ વધી રહ્યું છે”
“વિજ્ઞાન એ ઉકેલો, ઉત્ક્રાંતિ અને નવીનતાનો આધાર છે”
“જ્યારે આપણે આપણા વૈજ્ઞાનિકોની સિદ્ધિઓની ઉજવણી કરીએ છીએ, ત્યારે વિજ્ઞાન આપણા સમાજ અને સંસ્કૃતિનો ભાગ બની જાય છે”
“સરકાર વિજ્ઞાન આધારિત વિકાસની વિચારસરણી સાથે કામ કરી રહી છે”
“વધુ અને વધુ વૈજ્ઞાનિક સંસ્થાઓની રચના અને રાજ્ય સરકારો દ્વારા પ્રક્રિયાઓને સરળ બનાવવા પર ભાર મૂકીને ઇનોવેશનને પ્રોત્સાહિત કરી શકાય છે”
“સરકાર તરીકે, આપણે આપણા વૈજ્ઞાનિકો સાથે સહકાર અને સહયોગ કરવો પડશે, આ એક વૈજ્ઞાનિક આધુનિકતાનું વાતાવરણ બનાવશે”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સેન્ટર સ્ટેટ સાયન્સ કોન્ફ્લેવનું ઉદ્દઘાટન કરતાં ભારપૂર્વક જણાવ્યું કે, આ કોન્કલેવનું આયોજન સબકા પ્રયાસનું સ્પષ્ટ ઉદાહરણ છે. સાયન્સ સીટીમાં યોજાયેલી આ કોંકલેવમાં દેશના વિવિધ રાજ્યોના સાયન્સ – ટેકનોલોજી મંત્રીઓ તથા સચિવો સહભાગી થયા છે.
21મી સદીના ભારતના વિકાસમાં વિજ્ઞાન એ ઊર્જા સમાન છે, જે દરેક ક્ષેત્રના વિકાસ અને દરેક રાજ્યના વિકાસને વેગ આપવાની શક્તિ ધરાવે છે, આજે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતના વિજ્ઞાન અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં વહીવટ અને નીતિ નિર્માણમાં લોકોની જવાબદારી નોંધપાત્ર રીતે વધી જાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે વિજ્ઞાન એ ઉકેલો, ઉત્ક્રાંતિ અને નવીનતાનો આધાર છે. અને આ પ્રેરણાથી જ આજનો નવો ભારત જય જવાન જય કિસાન, જય વિજ્ઞાન તેમજ જય અનુસંધાન સાથે આગળ વધી રહ્યો છે.
ઇતિહાસમાંથી આપણે જે પાઠ શીખી શકીએ છીએ તે કેન્દ્ર અને રાજ્યો બંનેને મદદરૂપ થશે તેનો વિશેષ ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, જો આપણે છેલ્લી સદીના શરૂઆતના દાયકાઓને યાદ કરીએ, તો આપણને ખબર પડે છે કે વિશ્વ કેવી રીતે વિનાશ અને દુર્ઘટનાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું હતું. પરંતુ તે યુગમાં પણ પૂર્વ હોય કે પશ્ચિમ, દરેક જગ્યાએ વૈજ્ઞાનિકો તેમની મહાન શોધમાં વ્યસ્ત હતા. પશ્ચિમમાં આઈ સ્ટાઈન, ફર્મી, મેક્સ પ્લાન્ક, નીલ્સ બોહર અને ટેસ્લા જેવા વૈજ્ઞાનિકો પોતાના પ્રયોગોથી દુનિયાને ચમકાવી રહ્યા હતા. તે જ સમયગાળામાં, સીવી રામન, જગદીશ ચંદ્ર બોઝ, સત્યેન્દ્રનાથ બોઝ, મેઘનાદ સાહા અને એસ ચંદ્રશેખર સહિત ઘણા વૈજ્ઞાનિકો તેમની નવી શોધો સામે લાવી રહ્યા હતા.
વડાપ્રધાને પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના તફાવતને રેખાંકિત કર્યો કારણ કે આપણે આપણા વૈજ્ઞાનિકોના કાર્યને યોગ્ય માન્યતા આપી રહ્યા નથી, વડાપ્રધાનએ ધ્યાન દોર્યું કે જ્યારે આપણે આપણા વૈજ્ઞાનિકોની સિદ્ધિઓની ઉજવણી કરીએ છીએ, ત્યારે વિજ્ઞાન આપણા સમાજનો ભાગ બની જાય છે, તે સંસ્કૃતિનો ભાગ બની જાય છે. વડાપ્રધાન મોદીએ દરેકને આપણા દેશના વૈજ્ઞાનિકોની સિદ્ધિઓની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનએ કહ્યું વૈજ્ઞાનિકો દેશને તેમની ઉજવણી કરવા માટે પૂરતા કારણો આપી રહ્યા છે, તેમણે કોરોના રસી વિકસાવવામાં અને વિશ્વની સૌથી મોટી રસી અભિયાનમાં યોગદાન આપવા માટે ભારતીય વૈજ્ઞાનિકોની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
વડાપ્રધાનએ પુનરોચ્ચાર કર્યો હતો કે સરકાર વિજ્ઞાન આધારિત વિકાસની વિચારસરણી સાથે કામ કરી રહી છે. “2014થી વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં રોકાણમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારના પ્રયાસોને કારણે આજે ભારત વૈશ્વિક ઈનોવેશન ઈન્ડેક્સમાં 46મા ક્રમે છે, જ્યારે 2015માં ભારત 81મા ક્રમે હતું.” તેમ વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું.
તેમણે દેશમાં વિક્રમજનક સંખ્યામાં પેટન્ટ રજીસ્ટર થયાનો સ્વીકાર કર્યો હતો. તેમણે ઈનોવેશનના વાતાવરણ અને વાઈબ્રન્ટ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમની પણ નોંધ લીધી હતી.
વડાપ્રધાને ધ્યાન દોર્યુ હતું કે વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવીનતા તરફનો ઝોક આપણી યુવા પેઢીના ડીએનએમાં છે. આપણે આ યુવા પેઢીને પૂરી તાકાતથી ટેકો આપવાની જરૂર છે. વડાપ્રધાને યુવાનોની નવીન ભાવનાને ટેકો આપવા માટે સંશોધન અને નવીનતાના ક્ષેત્રમાં નવા ક્ષેત્રો અને મિશનોની યાદી આપી હતી. તેમણે સ્પેસ મિશન, નેશનલ સુપરકમ્પ્યુટિંગ મિશન, સેમિકન્ડક્ટર મિશન મિશન હાઈડ્રોજન અને ડ્રોન ટેક્નોલોજીના ઉદાહરણો આપ્યા. તેવી જ રીતે NEP માતૃભાષામાં વિજ્ઞાન અને તકનીકી શિક્ષણ આપીને આને પ્રોત્સાહન આપી રહ્યું છે.
વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ અમૃતકાળમાં ભારતને સંશોધન અને નવીનતાનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે આપણે એકસાથે અનેક મોરચે કામ કરવું પડશે. તેમણે વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધિત શોધનને સ્થાનિક સ્તરે લઈ જવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે રાજ્યોને તેમની સ્થાનિક જરૂરિયાતો અનુસાર સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું. વડાપ્રધાનએ ટિપ્પણી કરી હતી કે રાજ્ય સરકારો દ્વારા વધુને વધુ વૈજ્ઞાનિક સંસ્થાઓની રચના અને પ્રક્રિયાઓને સરળ બનાવવા પર ભાર મૂકીને નવીનતાને પ્રોત્સાહિત કરી શકાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યોમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં પણ ઈનોવેશન લેબની સંખ્યા વધારવી જોઈએ. તેમણે દરેક રાજ્યને વિજ્ઞાન, નવીનતા અને ટેક્નોલોજી અંગે આધુનિક નીતિ ઘડવા પણ કહ્યું હતું.
“સરકાર તરીકે, આપણે આપણા વૈજ્ઞાનિકો સાથે વધુને વધુ સહકાર અને સહયોગ કરવો પડશે, આ એક વૈજ્ઞાનિક આધુનિકતાનું વાતાવરણ બનાવશે”
વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યોએ રાષ્ટ્રીય સ્તરની ઘણી વૈજ્ઞાનિક સંસ્થાઓ અને રાષ્ટ્રીય પ્રયોગશાળાઓની ક્ષમતા અને કુશળતાનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ .
“આપણે વૈજ્ઞાનિક સંસ્થાઓ અને કુશળતાના મહત્તમ ઉપયોગ માટે આપણી વિજ્ઞાન સંબંધિત સંસ્થાઓને સિલોસની સ્થિતિમાંથી બહાર લઈ જવી પડશે” વડાપ્રધાને ઉમેર્યું. તેમણે પાયાના સ્તરે વિજ્ઞાન પ્રમોશન ઇવેન્ટ્સ માટે કહ્યું. તેમણે રાજ્યના વિજ્ઞાન મંત્રીઓને તેમના વિજ્ઞાન અભ્યાસક્ર મના સારા વ્યવહારો અને પાસાઓ શેર કરવાની સલાહ પણ આપી હતી.
સંબોધનના સમાપનમાં વડાપ્રધાનશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સ્ટેટ સેન્ટર સાયન્સ કોન્ફ્લેવ દેશમાં વિજ્ઞાનની પ્રગતિ તરફ એક નવું પરિમાણ ઉમેરશે અને સંકલ્પ કરશે. વડાપ્રધાને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં કોઈ પણ તકને હાથમાંથી છૂટવા ન દેવા સૌને વિનંતી કરી હતી.
“આવતા 25 વર્ષ ભારત માટે સૌથી મહત્વપૂર્ણ વર્ષ છે કારણ કે તે આવનારા ભારતની નવી ઓળખ અને તા કાત નક્કી કરશે” એમ વડાપ્રધાનએ કહ્યું. વડાપ્રધાનએ સહભાગીઓને આ સંમેલનમાંથી શીખવા માટે તેમના રાજ્યોમાં લઈ જવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા વિનંતી પણ કરી હતી.
–
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી દેશભરમાં પહેલી વાર આવી કોન્કલેવ યોજાઇ છે તે માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
દેશના અમૃતકાળમાં વડાપ્રધાનશ્રીએ ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવા જે લક્ષ્ય આપ્યુ છે તેમાં સાયન્સ ટેકનોલોજી આધારિત હોલિસ્ટીક એપ્રોચ મહત્વપૂર્ણ બનશે.
આ સંદર્ભમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સાયન્સ ટેકનોલોજી મંત્રીઓનું સાયન્સ સિટીમાં દ્વિદિવસીય સામૂહિક મંથન-ચિંતન ઉપકારક નિવડશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેકટ એવા સાયન્સ સિટીમાં વિજ્ઞાન પ્રોદ્યોગિકોના જનસામાન્ય સુધી પ્રસાર માટે રાજ્ય સરકાર સતત નવા આયામો જોડી રહી છે. આના પરિણામે એક વર્ષમાં અંદાજે ૧૨ લાખ જેટલા લોકો સાયન્સ સિટીની મૂલાકાતે આવ્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
વડાપ્રધાનની દિર્ઘદષ્ટિથી ગુજરાતે અનેક પોલિસીઝ બનાવીને પોલિસી ડ્રીવન સ્ટેટનો લાભ મેળવ્યો છે.
રાજ્ય સરકારે આઇ.ટી. અને આઇ.ટી.ઇ. એસ. પોલિસી, સેમીકન્ડક્ટ પોલિસી, ડ્રોન પોલિસી, બાયોટેકનોલોજી પોલિસી જેવી નવતર પહેલ કરીને તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
યુવા પેઢીને સાયન્સ ટેકનોલોજી તથા ઇનોવેશન અંગે નવિન તક આપવા જ્ઞાન આધારિત સાયન્સ ટેકનોલોજી ઇકોસિસ્ટમનું નિર્માણ સરકાર કરી રહી છે.
ગુજરાત દેશભરના સ્ટાર્ટઅપ રેન્કીંગમાં સતત ત્રણ વર્ષથી પ્રથમ ક્રમે રહ્યુ છે તેમજ સાયન્સ ટેકનોલોજી ક્ષેત્રે રોજગાર સર્જન અને ઇનોવેશનને પણ પ્રોત્સાહન રાજ્ય સરકાર આપે છે તેનો ગૌરવસહ ઉલ્લેખ મુખ્યયમંત્રીશ્રીએ કર્યો હતો.
-: કેન્દ્રીય સાયન્સ અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહ :-
વિશ્વની સૌથી મોટી ત્રણ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમમાં ભારતનો દબદબાભેર સમાવેશ.
વડાપ્રધાનની દૂરદૃષ્ટિથી સાયન્સ કોંકલેવ યોજાયો છે જુદા જુદા રાજ્યોમાં આવા સંમેલનો યોજીશું.
દેશમાં 3500 સ્ટાર્ટઅપ્સ હતા જેનો આંકડો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 75 હજારે પહોંચ્યો છે.
અમૃતકાળમાં યુવાન વિજ્ઞાનીઓને પ્રોત્સાહન અપાશે, જેથી યુવાનો પૂરી ઊર્જા સાથે રાષ્ટ્રનિર્માણમાં સમર્પિત થઈ શકે.
આ પ્રસંગે કેન્દ્રીય સાયન્સ અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ભારતના દુરંદેશી વડાપ્રધાને હંમેશા વિજ્ઞાન, ટેકનોલોજી અને સંશોધન ને પ્રાથમિકતા આપી છે. આજે આ બે દિવસીય ‘સેન્ટર સ્ટેટ સાયન્સ કોન્કલેવ’ ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ આપણે માનનીય વડાપ્રધાનના આભારી છીએ. વડાપ્રધાનના ઐતિહાસિક નિર્ણયોના ભાગરૂપે આજે ટેક્નોલોજી ઘરે ઘરે પહોંચી છે. વડાપ્રધાનશ્રીના કાર્યકાળમાં અંતરિક્ષ વિભાગને પબ્લિક પ્રાઇવેટ પાર્ટીસિપેશન માટે ખોલવામાં આવ્યો. જેના ભાગરૂપે આજે આ વિભાગ ‘ગગનયાન’ ની તૈયારી કરી રહ્યો છે. આજે પરમાણુ ઊર્જા વિભાગ જોઇન્ટ વેંચરના માધ્યમથી નવા સંસ્થાનો સ્થાપી રહ્યું છે. માનનીય વડાપ્રધાનના કાર્યકાળમાં જ બાયોટેકનોલોજી વિભાગે દુનિયાની સૌથી પહેલી DNA વેક્સિન શોધીને દુનિયાભરમાં ઉપલબ્ધ કરાવી. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે ‘ડીપ ઓશન ‘ મિશન શરૂ કરીને ભારતના ૭૫૦૦ કિલોમીટર લાંબા સમુદ્ર તટ ની સાથે વસેલા સમુદ્ર ની અંદર ની અપાર સંપદાઓને શોધવાનું કામ કરી રહ્યું છે.
વડાપ્રધાનના કાર્યકાળમાં જ ભારતમાં 350 માંથી આજે 75000 જેટલા સ્ટાર્ટ અપ બન્યા છે. આજે ભારત દુનિયા ના પેહલા 3 સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમમાં સામેલ છે .
આજના દિવસે યોજાઇ રહેલો આ આવો અનોખો કાર્યક્રમ પણ માનનીય વડાપ્રધાનની પ્રેરણાથી જ શક્ય બન્યો છે. આ બે દિવસીય સંમેલનમાં ઘણા બધા સેશન્સ અને ચર્ચાઓ થશે જેમાં દેશના ખૂણે ખૂણે થી આવેલા વિજ્ઞાન નિષ્ણાતો અને પોલીસી મેકર્સ એકબીજા સાથે વિચારોનું આદં પ્રદાન કરશે. રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ અને વૈજ્ઞાનિકો તેમજ મંત્રીશ્રીઓ વચ્ચે બે દિવસ સુધી વિવિધ રાજ્યોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની જરૂરિયાતો અને કર્યો અંગે મંત્રણા કરવામાં આવશે . આ પ્રકારના કાર્યક્રમો આગામી દિવસોમાં અલગ અલગ રાજ્યોમાં પણ ચાલુ કરવામાં આવશે. આ સંમેલનના નિષ્કણને આધારે વધુ સુયોગ્ય પગલાં લઈને સાયન્સ અને ટેકનોલોજી ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે યુવા વૈજ્ઞાનિકોને કેવી રીતે યોગ્ય પ્લેટફોર્મ આપવું એ વિચારણા પણ આ પ્રસંગે કરવામાં આવશે. અમૃતકાળમાં વર્ષ ૨૦૪૭ સુધી આવનારા ૨૫ વર્ષોમાં સાયન્સ અને ટેકનોલોજીના ઉત્તમ સમન્વય વડે દેશને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ બનાવવાના ધ્યેય સાથે આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવશે.
શિક્ષણ અને વિજ્ઞાન- ટેકનોલોજી મંત્રી જીતુભાઈ વાઘાણી
આ પ્રસંગે શિક્ષણ અને વિજ્ઞાન- ટેકનોલોજી મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, બે દિવસીય ‘સેન્ટર સ્ટેટ સાયન્સ કોન્કલેવ’ પ્રથમવાર યોજાઇ રહ્યો છે અને ગુજરાતમાં યોજવામાં આવ્યો છે એનો આનંદ છે, ગુજરાત માટે આ ગૌરવની બાબત છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતે હંમેશા નવા ઈનીશિયેટિવ લીધા છે જેનું અન્ય રાજ્યો અને દેશોમાં અનુકરણ થતું હોય છે. સાયન્સ સિટી એ વિશ્વનું સૌથી મોટું સાયન્સ સેન્ટર છે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. હું સૌ સાયન્સ ટેકનોલોજીના મંત્રીઓને સાયન્સ સીટીના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લેવા અનુરોધ કરું છું.
આ બે દિવસીય કોન્કલેવમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન STI વિઝન ૨૦૪૭ સુસંગત વિચાર મંથન સત્રોનું આયોજન કરવામાં આવ્યુ છે.
દેશના રાજ્યોમાં STI માટે ભાવિ સમૃદ્ધિના માર્ગો તથા વિઝન, ડિજિટલ હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખેડૂતોને આવકમાં વૃદ્ધિ માટે ટેકનોલોજી વિનીયોગ, પાણી, ઊર્જા, ડીપ ઓશન મિશન જેવા વિષયો પર આ કોન્કલેવમાં ચર્ચાઓ હાથ ધરાશે.
સાયન્સ કોન્ક્લેવમાં કેન્દ્રીય સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સેક્રેટરી ડો. એસ. ચંદ્રશેખર, ગુજરાતના મુખ્ય સચિવ પંકજકુમાર, ગુજરાત સાયન્સ ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરા, નીતિ આયોગના મેમ્બર ઓફ સાયન્સ વી. કે. શ્રીવાસ્તવ, સાયન્સ સિટીના એક્ઝિટિવ ડાયરેક્ટર જે. બી. વદર તેમજ આઠથી વધુ રાજ્યોના સાયન્સ – ટેકનોલોજી મંત્રીશ્રીઓ અને વિવિધ રાજ્યોના સાયન્સ- ટેકનોલોજી વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દેશના જાણીતા વિજ્ઞાનીઓ, વિજ્ઞાન-ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતો, યુવા વિજ્ઞાનીઓ પણ ઉત્સાહભેર આ કોન્ક્લેવમાં સહભાગી થયા છે.