ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
કેટલાક ખેડૂત આગેવાન માને છે કે સરકારે આ વેપારીઓ માટે કર્યુ છે,, કારણ કે ગુજરાતમાં પીયત આધારીત અને વરસાદ આધારીત એમ બે પ્રકારની ડૂંગળી થાયછે, પિયત આધારીત હોય તે છેલ્લામાં છેલ્લી ફેબ્રુઆરીમાં ડૂંગળી નિકળી જાય,જ્યારે વરસાદ આધારીત હોય તે દિવાળી ઉપર,, જેથી માર્ચથી મે દરમિયાન ખેડૂતો પાસે ડૂંગળી હોય જ નહી,, તો સરકારે કોના લાભાર્થે આ યોજના મુકી છે, સરકાર માત્ર ખેડૂતોને મુરખ બનાવી રહી છે, આનાથી વેપારીઓને ફાયદો થશે,
********
ડુંગળીનો બજાર ભાવ ઓછો હોવાથી ખેડૂતોને રૂ. ૨૦૦ પ્રતિ ક્વિન્ટલ આર્થિક સહાય અપાશે: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
********
* રાજ્યની APMCમાં એપ્રિલ-મે, ૨૦૨૫ દરમિયાન ડુંગળીનું વેચાણ કર્યું હોય તેવા ખેડૂતો જ સહાયને પાત્ર રહેશે
* ખેડૂત દીઠ મહત્તમ ૨૫,૦૦૦ કિલો (૨૫૦ ક્વિન્ટલ) વેચાણ સુધી મહત્તમ રૂ. ૫૦,૦૦૦ની સહાય મળવાપાત્ર રહેશે
* ખેડૂતોએ સહાય મેળવવા આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર આગામી તા. ૧૫ જુલાઈ સુધી અરજી કરી શકશે
* સહાય માટે રૂ. ૧૨૪ કરોડની જોગવાઇ; ૯૦,૦૦૦ જેટલા ખેડૂતોને મળશે સહાયનો લાભ
********
ગુજરાતના ખેડૂતો વતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આભાર વ્યક્ત કર્યો
********
ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને રૂ. ૨૦૦ પ્રતિ કિવન્ટલની સહાય રૂ. ૫૦,૦૦૦ની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે.
આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪-૨૫ રવિ સિઝન દરમિયાન ગુજરાતમાં ડુંગળીનું આશરે ૯૩,૫૦૦ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, જે સામાન્ય વાવેતર વિસ્તારની સાપેક્ષે વધુ હોવાથી રાજ્યમાં ડુંગળીનું ઉત્પાદન પણ અંદાજિત ૨૪૮.૭૦ લાખ ક્વિન્ટલ જેટલુ નોંધાયું છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પુષ્કળ ઉત્પાદનના પરિણામે APMCમાં ડુંગળીની આવક વધુ થતા લાલ અને સફેદ ડુંગળીના ભાવ રાજ્યની મુખ્ય APMCમાં ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછા જોવા મળ્યા હતા. આવા સમયે રાજ્યના ખેડૂતોને સહાયરૂપ થવા માટે ભારત સરકારની માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS) હેઠળ પ્રાઇઝ ડેફિશિયન્સી પેમેન્ટ યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવશે.
ગત તા. ૦૧ એપ્રિલથી તા. ૩૧ મે, ૨૦૨૫ દરમિયાન ડુંગળીનું APMCમાં વેચાણ કર્યું હોય, તેવા ખેડૂતોને રૂ. ૨૦૦ પ્રતિ ક્વિન્ટલ સહાય આપવામાં આવશે. આ ખેડૂતોને મહત્તમ ૨૫,૦૦૦ કિલો (૨૫૦ ક્વિન્ટલ) ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આ આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૧૨૪.૩૬ કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ કરવા આવી છે. જેનો રાજ્યના આશરે ૯૦,૦૦૦ જેટલા ખેડૂતોને લાભ મળશે, તેમ કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ડુંગળીના બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતા રાજ્યના ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોની આ રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ આપીને રાજ્ય સરકારે ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતોએ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર આવતીકાલ તા. ૦૧ જુલાઈથી આગામી તા. ૧૫ જુલાઈ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખેડૂતોને સહાયરૂપ થવા માટેની આ યોજનાનો અમલ કૃષિ વિભાગ હેઠળની બાગાયત નિયામકની કચેરી દ્વારા કરવામાં આવશે, તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ ખેડૂત હિતલક્ષી નિર્ણય બદલ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ખેડૂતો વતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.
*******
નિતિન રથવી