આટકોટ ખાતે નવ નિર્મિત કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી
૨૦૦ બેડની નવનિર્મિત મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં આયુષ્માન ભારત તથા મુખ્યમંત્રી અમૃતમ (માં) યોજનાના લાભાર્થીઓ પણ સારવાર મેળવી શકશે
જસદણ – વીંછીયા સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરઆંગણે શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહેશે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પટેલ સમાજ સંચાલિત કે.ડી.પરવાડીયા નવ નિર્મિત મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી સી આર પાટિલ અને કેન્દ્રીય મંત્રીશ્રીઓ તેમજ રાજ્ય સરકારના મંત્રીઓ,સાંસદશ્રીઓ,ધારાસભ્યો અને અગ્રણીઓ ઉપરાંત હોસ્પિટલના ટ્રસ્ટીઓ આ અવસરના સાક્ષી બન્યા હતા.
લોકાર્પણ બાદ પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી
શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા નિર્મિત આ હોસ્પિટલની તમામ વિગતો સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ભરત બોઘરાએ વડાપ્રધાનશ્રી મોદી સમક્ષ રજુ કરી હતી. વડાપ્રધાનશ્રી આ હોસ્પિટલના નિર્માણમાં સહભાગી થનાર દાતાઓ તથા ટ્રસ્ટ્રીઓના પરિજનોને પણ મળ્યા હતા
આ હોસ્પિટલ કાર્યરત થવાથી જસદણ, વિછીયા, બોટાદ સહિતના આસપાસના વિસ્તારોના નાગરિકોને સારવાર મેળવવા માટે રાજકોટ, અમદાવાદ જેવા મેટ્રોસીટીમાં જવુ નહિ પડે, તેઓને ઘરાઅંગણે જ આ હોસ્પિટલ થકી ઉત્તમ સારવાર મળી રહેશે.
૨૦૦ બેડની આ નવનિર્મિત મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં મેડીસીન, સર્જરી, ઓર્થોપેડીક, ગાયનેક, પીડીયાટ્રીક, સ્કીન અને ડેન્ટલ ઉપરાંતના કાર્ડીયોલોજી, ન્યુરોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ગ્રેસ્ટ્રોલોજી અને કેન્સર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
રાજય સરકારની મુખ્યમંત્રી અમૃતમ (માં) અને ભારત સરકારની આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓ પણ આ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં સારવાર મેળવી શકશે.