*ભર ચોમાસે હાઇવે પર દોડતી વાઇપર વિહોણી એસ.ટી બસો મુસાફરો પર મોતની લટકતી તલવાર સમાન*
*ભંગાર અને ખખડધજ બસો બંધ કરવા ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિની માંગ*
*જામનગર ડેપો મેનેજર ને સમિતિની ઉગ્ર રજૂઆત*
*મુસાફરો અને ડ્રાઇવરો પર જોખમ હોય ત્યારે આ પ્રકારની બસો ચલાવનારાની વડી કચેરી જવાબદારી ફિક્સ કરે*
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, જીગ્નેશભાઈ બોરડ, પટેલ જેન્તીભાઈ હિરપરા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજ્યભરમાં એસ.ટીમાં રોજિંદા 29 લાખ મુસાફરો અપડાઉન કરી રહ્યા છે. અને રાજ્યમાં 8550 થી વધુ બસો ઓન ધ રોડ નિયમિત દોડી રહી છે. ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે અને અમરેલી, ભાવનગર સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે રાજ્ય ભરમાં ગુજરાત એસ. ટી તંત્ર દ્વારા કેટલીક ભંગાર અને ખખડધજ બસો ચલાવવામાં આવી રહી છે. જેને સમિતિ સખ્ત શબ્દોમાં વખોડે છે. ચોમાસુ હોય ત્યારે દરેક બસમાં મિરર છે, વાઇપર ચાલુ છે, બ્રેક બરાબર છે કે કેમ તેની તકેદારી રાખવી અત્યંત આવશ્યક છે. કારણ કે વાઇપર વગરની બસ મુસાફરો પર મોતની લટકતી તલવાર સમાન છે. એસ.ટી અમારી સલામત સવારી પરંતુ જવાબદારી તમારી
જામનગર રાજકોટ જામનગર રૂટની જામનગર ડેપો ની બસ નંબર GJ-18Z 6601 રાજકોટ થી બપોરના 3-30 વાગે ઉપડતી આ બસ માં વાઇપર હતું જ નથી અને ડ્રાઇવરને પાછળ વાહન દેખાય તે માટેનો મિરર હોવો જરૂરી છે પરંતુ મિરર પણ બસમાં ન હોવાને પગલે હાઇવે પર આવી એસ.ટી બસોમાં મુસાફરી કરનારા મુસાફરો અને એસ.ટી બસના ડ્રાઇવર માટે જોખમ છે. આ બસ અંગે હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલાએ જામનગર ડેપો મેનેજર ને ઉગ્ર રજૂઆત કરી જણાવ્યું હતું કે હવે આ પ્રકારની લાલીયાવાળી ચલાવવામાં આવશે નહીં ત્યારે ડેપો મેનેજરે કહ્યું હતું કે આ લાલિયાવાડી નથી ગજુભા એ કહ્યું તો શું છે ? ડેપો મેનેજર એ કહ્યું એકાદ બસમાં આ પ્રકારની ખામી હોય તેને લાલીયાવાડી ન કહી શકાય ડેપો મેનેજરને આ વાત સાથે સમિતિ એટલા માટે સંમત નથી કે અમદાવાદની દુર્ઘટનામાં આ બોઈંગ વિમાન જુનુ અને ખખડધજ હતું અને આ એક વિમાનમાં જ ખામી હતી કારણ કે એકાદ બસમાં પણ શા માટે આવી બેદરકારી અને લાપરવાહી મુસાફરોની સલામતીને પ્રાધાન્ય આપવું જોઈએ. અને જે પ્રકારે તોતિંગ ટૂંકા ગાળામાં 35% ભાડા વધારો કરી મુસાફરોના ખીસા ખંખેરી સરકાર વાર્ષિક અંદાજે 1500 કરોડ રૂપિયાની કમાણી કરી રહી છે એસ.ટી અમારી સલામત સવારી નહીં પરંતુ એસ.ટી અમારી મોંઘી સવારી બની છે અને તેમ છતાં હાઇવે પર ભંગાર બસો ચલાવનારા ની બેદરકારી અને લાપરવાહી કોઈપણ સંજોગોમાં ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ ચલાવી લેશે નહીં જેની દરેક ડેપો મેનેજરો નોંધ લે.
ડેપો મેનેજરો અને વર્કશોપના જવાબદાર ઇજનેરોની આ પ્રકારની ગંભીર બેદરકારી અને લાપરવાહી કોઈક નો લાડકવાયો કે કોઈક નો કંધોતર છીનવી લે એ પહેલા આ પ્રકારની બસો જો નેશનલ હાઈવે અને સ્ટેટ હાઇવે કે ગ્રામ્ય લેવલે ચલાવવામાં આવતી હોય તો એસ.ટી.ની વડી કચેરી આ અંગે જવાબદારી ફિક્સ કરે અને લાઈન ચેકિંગ ના સાહેબો ફક્ત ટિકિટ ચેક કરવાને બદલે આ પ્રકારની મુસાફરોના મોતને આમંત્રણ દેતી બસોની નોંધ પણ કરી વડી કચેરીને જે તે ડેપો મેનેજરોના અને જવાબદાર અધિકારીઓની બેદરકારીની જાણ કરે એવી અમારી માંગ છે.
રાજ્ય સરકારે ગુજરાત એસ.ટી ના મુસાફરોને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી સુવિધા આપવા માટે ભાડા વધારો કરવાની મંજૂરી આપી છે. જે પગલે હાથ ઊંચો કરો અને બસમાં બેસો નહીં ખિસ્સા ખંખેરો અને બસમાં બેસો તેમ છતાં આ પ્રકારની ખખડધજ બસો ચલાવી લાલીયાવાડી ચલાવવામાં આવે તો કેટલે અંશે વ્યાજબી છે ? ગુજરાત એસ.ટીમાં મુસાફરી કરતા તમામ વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા મુસાફરોને જણાવવાનું કે બસમાં બેસીએ ત્યારે બસમાં કોઈ ખામી હોય તો ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના હેલ્પલાઇન નંબર 94262 29396 પર આધાર પુરાવા સાથે ફરિયાદ કરવી. અને સમિતિના તમામ જિલ્લાના અને ડેપોના પ્રતિનિધિઓ પણ આ પ્રકારની બસો અંગે જાગૃત પ્રહરી ની ભૂમિકા ભજવી કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા એસ.ટી ના જવાબદાર અધિકારીઓ અને તંત્રને ઢંઢોળે એવી ઉપરોક્ત આગેવાનોએ માંગ કરી છે.
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ હેલ્પલાઇન નંબર 94262 29396
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ, મનસાતીર્થ, ઓફિસ નંબર 14, ગીતામંદિર રોડ, ભક્તિનગર સર્કલ, જયનાથ હોસ્પિટલ સામે, રાજકોટ – 360001,
તારીખ – 20/06/2025.