AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ સુરતના પાસોદરા અને સીમાડા નાકા વિસ્તારમાં પૂર અસરગ્રસ્ત સોસાયટીઓની મુલાકાત લીધી
સુરતમાં ભાજપના લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, માટે પૂર આવ્યું: ગોપાલ ઇટાલીયા
ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે તેમ છતાં પણ સુરતમાં ચોમાસામાં પૂરને રોકવા માટે કોઈ આયોજન કરવામાં આવતું નથી: ગોપાલ ઇટાલીયા
સુરત સહિત ગુજરાતના તમામ મોટા શહેરોમાં દર વર્ષે ચોમાસામાં ભાજપ સર્જિત પૂર આવે છે: ગોપાલ ઇટાલીયા
જુનાગઢ, અંકલેશ્વર, વડોદરા સહીત જ્યાં જ્યાં પણ પુર આવે છે, એ તમામ પુરનું કારણ ભાજપના લોકોએ કરેલા ગેરકાયદેસર બાંધકામ છે: ગોપાલ ઇટાલીયા
સમગ્ર આમ આદમી પાર્ટી પૂરની સ્થિતિમાં સુરતવાસીઓ સાથે ઉભી છે: ગોપાલ ઇટાલીયા
કતારગામમાં ટીપીની લડાઈમાં અનેક લોકો બેઘર થાય તે રીતે સરકારી તંત્ર દબાણ કરી રહ્યું છે: ગોપાલ ઇટાલીયા
અમદાવાદ/સુરત/ગુજરાત
ભાજપના અણગઢ વહીવટને કારણે એક જ વરસાદમાં સુરત આખું પાણીમાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને સ્થાનિકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આજે ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ સુરતના પાસોદરા વિસ્તારના સાંઈ શ્રદ્ધા સોસાયટી અને વાલમ નગર સોસાયટી, સીમાડા નાકાના પૂરગ્રસ્ત લોકો સાથે મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું અને જનતાને મળી તેમની મુશ્કેલીઓ વિશે જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની સાથે સાથે શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયા, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, કોર્પોરેટર મહેશભાઈ અણઘણ, સુરત લોકસભા પ્રમુખ રજનીકાંત વાઘાણી, શહેર મહામંત્રી તુલસી લાલૈયા, સોશિયલ મીડિયા કૃણાલ રામાણીએ પૂરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યાઓ જાણી હતી.
આ દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ એ પોતાની વાત કરતાં જણાવ્યું હતું કે, સુરત સહીત ગુજરાતના તમામ શહેરોમાં હંમેશા ભાજપ સર્જિત પૂર આવતું હોય છે. સુરતમાં ભાજપના લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે એટલા માટે પૂર આવ્યું છે. જુનાગઢ, અંકલેશ્વર, વડોદરા સહીત જ્યાં જ્યાં પણ પુર આવે છે, એ તમામ પૂરનું કારણ ભાજપના લોકોએ કરેલા ગેરકાયદેસર બાંધકામ છે. તો સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ પૂર આવે છે, ત્યાં ભાજપના લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય છે, તેના કારણે દર વર્ષે પૂર આવતું હોય છે. ફક્ત શહેરોમાં પૂર કેમ આવે છે? વરસાદ બહુ પડતો હોય તો પછી ગામડામાં પણ પૂર આવવું જોઈએ, પરંતુ એવું નથી થતું કારણ કે ભાજપના લોકોએ ગળા ડૂબ ભ્રષ્ટાચાર કર્યો છે અને આ ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર બાંધકામના કારણે પાણીના નિકાલની વ્યવસ્થા અટવાઈ ગઈ છે જેના કારણે પૂર આવે છે.
સુરતમાં આવેલ ખાડી પૂરમાં અનેક નાના નાના અને ગરીબ પરિવારોને તકલીફ પડી રહી છે. વર્ષોથી સુરતમાં મનપાથી લઈને રાજ્ય સરકારથી કેન્દ્ર સરકાર સુધી તમામ જગ્યાએ ભાજપનું શાસન છે. તેમ છતાં પણ જો દર વર્ષે જનતાએ પૂરનો ભોગ બનવું પડતું હોય તો તેનો સ્પષ્ટ મતલબ થાય છે કે ભાજપના તંત્ર દ્વારા સુરતના પૂરને પહોંચી વળવા માટે કોઈ આયોજન કરવામાં આવતું નથી. ભાજપના માણસોને સુરતના પૂરથી કોઈ ફરક ન પડતો હોય, તે ખૂબ જ દુર્ભાગ્યની બાબત છે. સુરતની જનતાએ 2020-21ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો જીતાવીને આમ આદમી પાર્ટીને એક પ્લેટફોર્મ આપ્યું હતું તો આ માટે આમ આદમી પાર્ટી હંમેશા સુરતની જનતાને આભારી રહેશે. આ મુશ્કેલ સમયમાં જ્યારે સુરતની જનતાને આમ આદમી પાર્ટીના સાથ અને સહયોગની જરૂરત છે ત્યારે આમ આદમી પાર્ટી સુરતની જનતા સાથે ઉભી છે. આ સિવાય કતારગામમાં ટીપીની લડાઈમાં અનેક લોકો બેઘર થાય તે રીતે સરકારી તંત્ર દબાણ કરી રહ્યું છે. ત્યાં પણ અમે પીડિત પરિવારોની મુલાકાત લઈશું. જ્યાં પણ દુઃખનો સમય હશે ત્યાં હું જનતાની સેવા કરવા માટે હંમેશા ઉભો રહીશ.