આદિજાતિ બાળકોની “સંજીવની” દૂધ સંજીવની યોજનાઃ અમીરગઢ તાલુકાના વિરમપુર લોકનિકેતન આશ્રમશાળામાં દૂધ સંજીવની યોજના બાળકો માટે આશીર્વાદરૂપ
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ- ૨૦૦૭ માં અમલમાં મુકવામાં આવી હતી દૂધ સંજીવની યોજના
બાળકોમાં સ્વચ્છતાના ગુણો કેળવાય તે માટે દૂધના ખાલી પાઉચને ફેંકી દેવાના બદલે એકત્રિત કરી રિસાયકલિંગમાં આપી દેવાની શાળાની અનોખી પહેલ
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુરની લોકનિકેતન આશ્રમશાળામાં દૂધ સંજીવની યોજનાના અમલીકરણની સાથે સાથે પ્લાસ્ટિકના રિસાયકલિંગની અનોખી પહેલ થકી પ્લાસ્ટિક મુક્ત અભિયાનને પ્રેરણા આપવાનું પ્રેરણાદાયી કામ થઇ રહ્યું છે. ગાંધી મૂલ્યોને વરેલી લોકનિકેતન વિરમપુર આશ્રમશાળામાં દૂધ સંજીવની યોજના હેઠળ આપવામાં આવતા દૂધના ખાલી પાઉંચને ફેંકી દેવાના બદલે વ્યવસ્થિત રીતે એકત્ર કરવામાં આવે છે અને આ ખાલી પાઉચને પ્લાસ્ટિકના રિસાયકલિંગમાં ઉપયોગમાં લેવાય એ રીતે વેચાણ કરવામાં આવે છે. બાળકોમાં સ્વાસ્થ્ય પ્રત્યેની સજાગતા સાથે સ્વચ્છતા જાળવણીના સંસ્કારો બચપણથી મળી રહે એ માટેની આ વ્યવસ્થા અન્ય શાળાઓ માટે પણ અનુકરણીય પહેલ અને પ્રેરણારૂપ બની રહી છે.
બનાસકાંઠા જિલ્લાના આદિજાતિ બાહુલ્ય ધરાવતા દાંતા અને અમીરગઢ તાલુકાઓમાં વસતા આદિજાતિ બાળકોના સર્વાંગી વિકાસ તેમજ પાયારૂપી શિક્ષણની જરૂરિયાત માટે બનાસકાંઠા જિલ્લામાં 2 મોડેલ સ્કૂલ, 5 કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ તથા 3 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કુલ એમ કુલ 10 શાળાઓ અમીરગઢ અને દાંતા તાલુકામાં સરકાર દ્વારા કાર્યરત કરવામાં આવી છે. જેમાં 4000 જેટલા આદિજાતિ વિદ્યાર્થી ભાઈ-બહેનો શિક્ષણ મેળવી રહ્યા છે.
ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી અને બનાસકાંઠા જિલ્લા હસ્તક ટ્રાયબલ એરિયા સબ પ્લાન કચેરી પાલનપુર દ્વારા અમીરગઢ તાલુકાના વિરમપુર ખાતે કાર્યરત લોકનિકેતન આશ્રમ શાળામાં ત્રણ શાળાઓ આવેલી છે. જેમાં ધોરણ- 6 થી 12 માં 730 જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો અભ્યાસ કરે છે. અહીં શાળામાં ગાંધી મૂલ્ય આધારિત શિક્ષણ અને સમાજજીવનમાં ઉપયોગી બુનિયાદી શિક્ષણ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે. જેના થકી આદિજાતિ બાળકો પણ ભણી ગણીને આત્મનિર્ભર બની શકે. અહીં આદિજાતિ વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા સાથે શૈક્ષણિક કીટ, સ્ટેશનરી, ટોઈલેટરી, યુનિફોર્મ અને જીવનજરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પુરી પાડવામાં આવે છે. આદિજાતિ બાળકોના શારીરિક માનસિક વિકાસ અને આરોગ્યમાં સુધારો થાય એ હેતુસર દૂધ સંજીવની યોજના હેઠળ તમામ બાળકોને અમૂલનું ૨૦૦ મિ.લી. ફલેવર્ડ દૂધ આપવામાં આવે છે. જેના થકી બાળકોના આરોગ્ય અને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો છે. અહીં બાળકીઓને ગુલાબ, ઈલાયચી અને વેનીલા એમ ત્રણ ફ્લેવરનું દૂધ આપવામાં આવે છે. દૂધ સંજીવની બાળકો માટે ખરેખર સંજીવનીરૂપ પુરવાર થઇ છે અને બાળકો હોંશે હોંશે આ દૂધ પીવે છે અને દૂધ પીવાથી અભ્યાસમાં એકાગ્રતા આવતી હોવાનું જણાવી સરકારનો આભાર વ્યક્ત કરે છે.
ધોરણ-૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દિવાળીબેન પનાભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, દૂધ સંજીવની હેઠળ આપવામાં આવતું દૂધ ખૂબ સારું આવે છે. આનાથી અમારા આદિજાતિ વિસ્તારના બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે. હાજરીમાં નિયમિતતા આવી છે. ભવિષ્યમાં પણ આ યોજના ચાલુ રહે એવી સરકાર સમક્ષ અપેક્ષા રાખીએ છીએ એમ જણાવી સરકારનો અને આદિજાતિ વિકાસ વિભાગનો આભાર માન્યો હતો.
ધોરણ-૬ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સચિને જણાવ્યું હતું કે, દૂધ પીધા પછી અમે ખાલી થેલી ધોઈને એક જગ્યાએ મૂકી દઈએ છીએ. જેથી શાળામાં કચરો થતો નથી અને સ્વચ્છતા જળવાઈ રહે છે.
વિરમપુર લોકનિકેતન આશ્રમ શાળાના આચાર્યશ્રી કાનજીભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, દૂધ સંજીવની યોજના હેઠળ આપવામાં આવતા દૂધથી બાળકોના શારીરિક, માનસિક અને બૌદ્ધિક સ્તરમાં વિકાસ થયો છે. દૂધ સંજીવની યોજનાથી ઘણો લાભ થયો છે. આદિજાતિ વિકાસ વિભાગ અને સરકારનો આભાર માનીએ છીએ.
કાનજીભાઈ વાઘેલાએ જણાવ્યું કે, બાળકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે દૂધ સંજીવની યોજનાનો અસરકારક અમલ શાળામાં કરાવ્યો છે. સાથે સાથે બાળકોને સ્વચ્છતાના પાઠ શીખવા મળે એ હેતુસર દૂધના ખાલી પાઉચને ફેંકી દેવાના બદલે એક સ્થળે એકત્રિત કરવાની સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે અંતર્ગત દરેક બાળક દૂધ પીધા પછી ખાલી પાઉચ લોખંડના સળિયામાં ભરાવી દે છે. આ રીતે સંગ્રહિત થયેલ દૂધના ખાલી પાઉચને પ્લાસ્ટીકના રીસાયકલિંગના ઉપયોગમાં લઇ શકાય એ રીતે વેચાણ કરી દેવામાં આવે છે. શાળામાં અભ્યાસની સાથે સાથે પર્યાવરણ જાળવણી અને જાગૃતિની અનોખી પહેલ થકી પ્લાસ્ટિકમુક્ત દેશના અભિયાનને આપોઆપ વેગ મળી રહ્યો છે.
ધોરણ- ૧ થી ૮ ની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને નાની વયે પોષણક્ષમ આહાર ઉપરાંત દૂધ આપવામાં આવે તો વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ અને ક્ષાર તત્વોની ખામી દૂર કરી શકાય તેમજ બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તેઓના આરોગ્યમાં સુધારો થાય એ હેતુસર વર્ષ-૨૦૦૭ માં તત્કાલી મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દૂધ સંજીવની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ બાળક દીઠ ૨૦૦ મિ.લી. ફલેવર્ડ દૂધ આપવામાં આવે છે. આ યોજનાનો અમલ અઠવાડિયાના ૫ દિવસ અને વર્ષના ૧૦ માસ એટલે કે વાર્ષિક ૨૦૦ દિવસ સુધી કરવામાં આવે છે. આ યોજનાની સફળતાના પરિણામે અને તેની અસરકારકતા જોતાં અત્યારે આદિવાસી વિસ્તારના કુલ- ૫૩ તાલુકાઓમાં આ યોજનાનો અસરકારક અમલ થઈ રહ્યો છે. આશરે ૧૨,૦૮,૯૬૮ થી વધુ આદિજાતિ બાળકોને રૂ. ૧૪૭ કરોડના ખર્ચે આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે.
દૂધ સંજીવની યોજનાથી બાળકોની દ્રષ્ટિમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. દૂધ સંજીવની યોજનાના અમલથી શાળાના બાળકોના સ્વાસ્થ્ય ઉપર શું અસર થઈ તેનો આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં દૂધ સંજીવની યોજનાથી અનેક ફાયદા જોવા મળ્યા છે. જેમાં શાળાઓમાં બાળકોના ડ્રોપ આઉટ દરમાં ઘટાડો જોવા મળ્યો છે. અધવચ્ચેથી શાળા છોડી જતાં બાળકોનું પ્રમાણ ઘટ્યું છે. બાળકોની હાજરીમાં નિયમિતતા આવી છે. બાળકોના સ્વાસ્થ્ય અને આરોગ્યમાં સુધારાની સાથે ખાસ કરીને બાળકોની દ્રષ્ટિમાં ઘણો સુધારો જોવા મળ્યો છે.