IPL 2022 ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 26 માર્ચે રમાશે. ગત સિઝનમાં આ બંને ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં ચેન્નાઈએ જીત મેળવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. ચેન્નાઈની ટીમમાં અન્ય ટીમોની સરખામણીમાં ઓછા ફેરફારો થયા છે અને ફ્રેન્ચાઈઝીએ જૂના ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ટીમમાં કેટલાક નવા ખેલાડીઓને પણ જગ્યા આપવામાં આવી છે. આજે અમે તમને ચેન્નાઈના એવા પાંચ ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ, જેમના પર બધાની નજરો રહેશે.
1. યુવા ખેલાડી રૂતુરાજ ગાયકવાડે IPL 2021 અને વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને ઘણી હેડલાઈન્સ બનાવી. ફરી એકવાર તેઓ ચેન્નાઈ તરફથી ઓપનિંગ કરતા જોવા મળશે. તેમના રેકોર્ડ પર નજર કરીએ તો આઈપીએલની છેલ્લી 2 સિઝનમાં તેમણે કુલ 22 મેચ રમી છે, જેમાં તેમણે એક સદી સાથે 839 રન બનાવ્યા છે.
2. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા IPLના દિગ્ગજ ખેલાડીઓમાંથી એક છે. તેમણે આઈપીએલમાં અત્યાર સુધીમાં 200 મેચ રમી છે, જેમાં તેમણે 2386 રન બનાવ્યા છે અને 127 બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા છે. તાજેતરમાં, તેમણે શ્રીલંકા સામે બોલ અને બેટથી સારું પ્રદર્શન કર્યું. તેઓ હાલમાં શાનદાર ફોર્મમાં છે અને IPLમાં હડકંપ મચાવવા માટે તૈયાર છે.
3. ઓલરાઉન્ડર મોઈન અલી પણ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થયા છે. અત્યાર સુધીમાં તેઓ IPLમાં 34 મેચ રમી ચૂક્યા છે, જેમાં તેમણે 666 રન બનાવ્યા છે અને 16 વિકેટ લીધી છે. ગત સિઝનમાં તેઓ સારા ફોર્મમાં જોવા મળ્યા હતા. IPL 2021માં તેમણે 15 મેચમાં 357 રન બનાવ્યા હતા અને 6 વિકેટ લીધી હતી.
4. ન્યૂઝીલેન્ડના યુવા ખેલાડી ડેવોન કોનવે આ સિઝનમાં IPLમાં ડેબ્યૂ કરી શકે છે. તેમણે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 20 T20 મેચો રમી છે, જેમાં તેમણે 50.2ની સરેરાશથી 602 રન બનાવ્યા છે. હાલમાં તેઓ T-20ના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે.
5. અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને વિજેતા બનાવવામાં ઓલરાઉન્ડર રાજવર્ધન હંગરગેકરનો મહત્વનું યોગદાન રહ્યું હતું. તેમણે બોલ અને બેટ સાથે સારું પ્રદર્શન કર્યું હતું. આ જ કારણ હતું કે મેગા ઓક્શનમાં ચેન્નાઈની ટીમે તેમને 1.50 કરોડમાં ખરીદ્યા અને તેમને સામેલ કર્યા.