લોક રક્ષક દળની ભરતી અંગે ખોટી પોસ્ટ મૂકનાર સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ
પરીક્ષામાં ૪૦ થી વધુ અને શારીરિકમાં 10થી વધુ માર્કસ વાળાને ક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવાશેની ખોટી ટ્વિટ કરી
લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષના પર્સનલ ટ્વિટર એકાઉન્ટની પોસ્ટને રીટ્વીટ કરી લોકરક્ષક ભરતી અંગે ખોટી પોસ્ટ કરનાર સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી આ મામલે તપાસ હાથ ધરી છે.
લોકરક્ષક ભરતી બોર્ડમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દાનસિંહ પ્રતાપભાઈ બારડે સાયબર સેલમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, લોક રક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે આઇપીએસ હસમુખ પટેલ છે.
તેઓના પર્સનલ ટ્વિટર એકાઉન્ટ પર ભરતી બોર્ડના નિર્ણયો અંગેની જાણકારી મુકવામાં આવે છે.આ કામગીરી અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ તેઓની ટિમમાં રહેલા વાયરલેસ પીએસઆઈ પી.કે.દેત્રોજા કરે છે.
ગત તા.11-4-2022ના રોજ અધ્યક્ષના પર્સનલ ટ્વિટર એકાઉન્ટના ફોલોઅર્સએ રિટ્વીટ કરી પોસ્ટ કરી હતી કે, આજે લેવાયેલી લોકરક્ષક પરીક્ષામાં જે ઉમેદવારોને 40થી વધુ અને શારીરિક કસોટીમાં 10થી વધુ માર્ક્સ હશે તેઓને ટૂંક સમયમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.જોકે આવો કોઈ નિર્ણય ભરતી બોર્ડ દ્વારા લેવાયો ન હતો કે જાહેરાત પણ થઈ ન હતી. તેમ છતાં આરોપીએ પોતે ભરતી બોર્ડ કમિટીનો સભ્ય ના હોવા છતાં અધિકૃત વ્યક્તિ હોવાનો દેખાવ કરી સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર મૂકી ઉમેદવારોને ભ્રમિત કર્યા હતા.