શાળામાં બાળકોના મધ્યાહન ભોજનને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 29 માર્ચથી આ યોજના રાજ્યમાં ફરી પૂર્વવત થશે. આ મામલે શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ માહિતી આપી છે.
29 માર્ચથી રાજ્યની 8 મહાપાલિકા અને 2 નગરપાલિકામાં આ યોજનાની શરૂઆત કરાશે. આ યોજનાની શરૂઆત ગાંધીનગર પાસે આવેલા બોરીજ ગામ ખાતેથી શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની હસ્તેથી કરવામાં આવશે.
અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, ભુજ, વડોદરા, ગાંધીનગર, નવસારી, સુરતમાં 29 માર્ચથી આ યોજનાનો પ્રારંભ થશે ત્યારબાદ ગુરૂવારથી રાજ્યભરમાં આ મધ્યાહન યોજના ફરી ર્વવત થશે.
તમને જણાવી દઈએ કે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે ઓનલાઈન શાળા ચાલતી હોવાના કારણે મધ્યાહન યોજના બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે શાળાઓ રાબેતા મજૂબ શરૂ થતા રાજ્યસરકાર દ્વારા ફરી વિદ્યાર્થીઓના હિતમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, કોરોનાકાળમાં મધ્યાહન યોજના બંધ હતી પરંતુ વિદ્યાર્થીઓને 2 લાખ 60 હજાર મેટ્રિક ટન જેટલુ અનાજનું વિતરણ કરવામાં આવ્યુ છે તેમજ મધ્યાહન ભોજન માટે રાજ્ય સરકારે 1400 કરોડની જોગવાઈ પણ કરી છે.