વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ એટલે કે 11 અને 12 માર્ચના રોજ ગુજરાત પ્રવાસે આવવાના છે. તેમના આ કાર્યક્રમને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે.
પીએમ મોદી આવતીકાલે અમદાવાદના જીએમડીસી ખાતે સ્થાનિક સ્વરાજ સંસ્થાના ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે, જ્યારે 12 માર્ચે તેઓ ગાંધીનગરમાં રક્ષાશક્તિ યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરશે અને યુનિવર્સિટીના કોન્વોકેશનમાં પણ ઉપસ્થિત રહેશે.
નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઇને ભાજપે પુરજોશમાં તૈયારીઓ કરી છે. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે ચાર લાખ લોકો એકત્ર કરાશે તેવો ભાજપે દાવો કર્યો છે.
તા.૧૧મી માર્ચે અમદાવાદ એરપોર્ટથી માંડીને કમલમ સુધી ગ્રાન્ડ રોડ શો આયોજિત કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાશે અને આ રોડ શોમાં અંદાજે 4 લાખથી વધુ લોકો પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે.
આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીના બે દિવસના પ્રવાસ માટે પોલીસ દ્વારા પણ ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં 6000થી વધારે પોલીસકર્મીઓ અને જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે.