હૈદરાબાદમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં ભોઈગુડા વિસ્તારમાં એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા 11 શ્રમિકાના મૃત્યુ નીપજ્યાં છે. મૃત્યુ પામેલા તમામ લોકો બિહારના હતા અને અહીં ગોડાઉનમાં કામ કરતા હતા. હાલ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે. જોકે પોલીસે તપાસ શરૂ કરી છે.
તેલંગાણાની રાજધાની હૈદરાબાદના ભોઈગુડામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 11 શ્રમિકો જીવતા બળી ગયા હતા. સ્થળ પર હાજર હૈદરાબાદ ડીસીપી સેન્ટ્રલ ઝોને કહ્યું કે, તમામ 11 મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. તમામ મૃતકો બિહારના હતા.
તેમના જણાવ્યા અનુસાર, ગોડાઉનના પહેલા માળે 12 શ્રમિકો સૂતા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર અચાનક આગ ફાટી નીકળી હતી. કામદારો માટે બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી શોપમાંથી પસાર થતો હતો જેના શટર બંધ હતા. આજે સવારે 8 વાગ્યા સુધીમાં 11 મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે એક શ્રમિકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ગાંધી નગર SHO મોહન રાવે જણાવ્યું કે, ગોડાઉનમાં 12 લોકો હાજર હતા. જેમાંથી 11 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 1ને જીવતો બચાવી લેવામાં આવ્યો છે. ડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગી છે. જોકે આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. પરંતુ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.