રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવૂડનું સ્ટાર કપલ છે. જ્યારે પણ બંને સાથે જોવા મળે છે ત્યારે તેઓ ફેન્સનું દિલ જીતી લે છે. ઘણા સમયથી બંને પોતાના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને જલ્દી લગ્ન કરવાના છે. એટલું જ નહીં, ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રણબીર અને આલિયા આ વર્ષે એપ્રિલ મહિનામાં લગ્ન કરશે. તો હવે આ તમામ સમાચારો પર રણબીર કપૂરના ફઈ રીમા જૈનની પ્રતિક્રિયા સામે આવી છે.
રીમા જૈને એક ઈન્ટરવ્યું આપ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે, રણબીર અને આલિયા લગ્ન કરશે. રીમા જૈનને પૂછવામાં આવ્યું કે શું રણબીર અને આલિયા એપ્રિલ મહિનામાં લગ્ન કરી રહ્યા છે? આના પર તેમણે કહ્યું, ‘મારી પાસે હજુ સુધી આ વિશે કોઈ માહિતી નથી. બંને લગ્ન કરવા જઈ રહ્યા છે પણ ક્યારે લગ્ન કરશે એ મને ખબર નથી.’
રીમા જૈને એપ્રિલમાં લગ્ન પર કહ્યું કે, ‘અત્યાર સુધી અમે કંઈ તૈયારી નથી કરી. આટલા જલ્દી લગ્ન કેવી રીતે થઈ શકે? જો આ વાત સાચી છે તો મારા માટે પણ આઘાતજનક હશે. બંને ચોક્કસપણે લગ્ન કરશે, પરંતુ ક્યારે કરશે એ મને ખબર નથી.’
હાલમાં જ આલિયા અને રણબીરની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં બંને સાડી ડિઝાઈનર બીના કન્નન સાથે જોવા મળ્યા હતા. આ તસવીર બીના કન્નને પોતે શેર કરી હતી. આ તસવીર જોયા બાદ ચાહકો અનુમાન લગાવવા લાગ્યા કે બંને લગ્નની તૈયારી કરી રહ્યા છે. આ તસવીર પર કોમેન્ટ કરીને ઘણા ફેન્સે આલિયા અને રણબીરને લગ્નની તારીખ પૂછી હતી. કેટલાકે એવું પણ કહ્યું હતું કે આ કપલ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યું છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ છેલ્લે ગંગુબાઈ કાઠિયાવાડી અને RRR ફિલ્મોમાં જોવા મળી હતી. આ બંને ફિલ્મોમાં આલિયાની એક્ટિંગના બધાએ વખાણ કર્યા હતા. બીજી તરફ, રણબીર કપૂરની વાત કરીએ તો અભિનેતા ટૂંક સમયમાં વાણી કપૂર સાથે ફિલ્મ ‘શમશેરા’માં જોવા મળશે. આલિયા અને રણબીર સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ આ વર્ષે 9મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.